BREAKING NEWS

મહાપાલિકાની આંગણવાડીઓમાં તા.૧૮ મેથી શરૂ થશે પ્રવેશોત્સવ

  • May 14, 2026 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાળ વિકાસ અને પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે શહેરની તમામ આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી પ્રવેશોત્સવ-૨૦૨૬ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી કમિશનર સી. કે. નંદાણી તથા આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વધુમાં વધુ બાળકોને આંગણવાડી સેવાઓ સાથે જોડવાનો, વાલીઓમાં બાળ વિકાસ અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો તથા બાળકોના સર્વાંગી વિકાસ માટે મજબૂત પાયો તૈયાર કરવાનો છે.

રાજકોટ મહાનગરપાલિકાની તમામ આંગણવાડી ખાતે તા.૧૮ અને ૧૯ મે, ૨૦૨૬ ના રોજ બાલક-પાલક સર્જન કાર્યક્રમ સાથે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે તેમજ વાલીઓને આંગણવાડીમાં મળતી વિવિધ સેવાઓ, સુવિધાઓ અને સરકારશ્રીની બાળકલ્યાણ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે.

પ્રવેશોત્સવ દરમિયાન નાના બાળકો માટે શૈક્ષણિક, સર્જનાત્મક અને રમૂજી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે જેથી બાળકો આનંદમય વાતાવરણમાં શિક્ષણ તરફ આકર્ષાય. સાથે સાથે વાલીઓને બાળકના પ્રાથમિક વિકાસમાં આંગણવાડીની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માહિતગાર કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાલીઓને ખાસ જાણ કરવામાં આવે છે કે આંગણવાડીમાં પ્રાથમિક તબક્કે શિક્ષણ મેળવનાર બાળકોને ભવિષ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શિક્ષણનો લાભ મેળવવામાં પણ સહાયરૂપતા પ્રાપ્ત થાય છે. બાળકના શૈક્ષણિક, બૌદ્ધિક, શારીરિક અને સામાજિક વિકાસ માટે આંગણવાડી પ્રથમ પાયાનું કેન્દ્ર છે.

મ્યુનિસિપલ આંગણવાડીની વિશેષતાઓમાં

(૧) નવી શિક્ષણ નીતિ આધારિત અભ્યાસક્રમ

(૨) આધારશિલા અભ્યાસક્રમ દ્વારા બાળકોને રમત-ગમત, ગીતો, વાર્તાઓ અને પ્રવૃત્તિઓ સાથે પૂર્વ-પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે, જેથી બાળકો આનંદ સાથે શીખી શકે.

(૩) શ્રેષ્ઠ પોષણ વ્યવસ્થા (૪)બાળકોને રોજ તાજું અને ગરમ પૌષ્ટિક નાસ્તો તથા ભોજન આપવામાં આવે છે, જે તેમના શારીરિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. (૫)આરોગ્ય સુરક્ષા અને નિઃશુલ્ક સેવાઓ (૬) નિયમિત આરોગ્ય તપાસ, વજન અને ઊંચાઈની માપણી તથા નિઃશુલ્ક રસીકરણ જેવી આરોગ્યલક્ષી સેવાઓ આંગણવાડીમાં ઉપલબ્ધ છે. (૭) આધુનિક અને બાળમિત્ર સુવિધાઓ, રમકડાં, શૈક્ષણિક કીટ, શુદ્ધ પીવાનું પાણી, સ્વચ્છતા અને બાળ-સ્નેહી વાતાવરણ જેવી સુવિધાઓ બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે. (૮) તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા વ્યક્તિગત દેખરેખ

આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર બહેનો દ્વારા દરેક બાળકની વ્યક્તિગત કાળજી લેવામાં આવે છે, જેથી બાળક સુરક્ષિત અને આનંદમય વાતાવરણમાં વિકાસ પામે સહિતની બાબતો સમાવિષ્ટ છે.

રાજકોટ મહાનગરપાલિકા તમામ વાલીઓને અપીલ કરે છે કે તેઓ પોતાના બાળકો સાથે નજીકની આંગણવાડીની મુલાકાત લઈ પોતાના બાળકનું નોંધણી કરાવે અને બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત શરૂઆત કરે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application