મોરબીના પ્રખ્યાત ઓરપેટ (ORPAT) ગ્રુપ સાથે સંકળાયેલા અગ્રણી ઉદ્યોગપતિ પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા (ઉં.વ. ૭૫)નું રાત્રે દુઃખદ નિધન થયું છે. ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાતા પ્રવીણભાઈ અમદાવાદ ખાતે પોતાના નિવાસસ્થાને હતા, ત્યારે અચાનક હાર્ટ એટેક આવવાથી તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતાં મોરબી તેમજ સમગ્ર ગુજરાતના ઉદ્યોગજગતમાં શોકની ઘેરી લાગણી ફરી વળી છે.
આજે સાંજે 5 વાગ્યે સ્મશાનયાત્રા, માતૃભૂમિ ચાચાપરમાં અંતિમ સંસ્કાર
પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ, પ્રવીણભાઈના પાર્થિવ દેહને અમદાવાદથી મોરબી સ્થિત તેમના નિવાસસ્થાન 'રેવા પેલેસ' (રેવા બંગલો), સનાળા રોડ ખાતે લાવવામાં આવી રહ્યો છે. તેમની સ્મશાનયાત્રા આજે મંગળવારે સાંજે ૫:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળીને તેમના વતન ચાચાપર ગામ સુધી જશે. ચાચાપર ગામે આવેલા સ્મશાન ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર અને અંતિમ ક્રિયાઓ કરવામાં આવશે.
અજંતા અને ઓરપેટ બ્રાન્ડને વૈશ્વિક ઓળખ આપવામાં મહત્વનું યોગદાન
સ્વ. ઓધવજીભાઈ આર. ભાલોડીયા દ્વારા વર્ષ ૧૯૭૧માં મોરબીમાં ઘડિયાળના વ્યવસાયની શરૂઆત કરવામાં આવી હતી. ૧૯૮૦ના દાયકામાં તેમના મોટા દીકરા પ્રવીણભાઈએ ઘડિયાળના વ્યવસાયનું સંચાલન સંભાળ્યું અને 'અજંતા' બ્રાન્ડને દેશ અને દુનિયામાં નવી ઊંચાઈઓ પર પહોંચાડી હતી. ત્યારબાદ તેમણે 'ઓરપેટ' ગ્રુપની રચના કરી ડિજિટલ કેલ્ક્યુલેટર, ડિજિટલ ઘડિયાળ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો ક્ષેત્રે મોટો કારોબાર વિસ્તારીને દેશ-વિદેશમાં નામ રોશન કર્યું હતું. હાલમાં અજંતા ગ્રુપની જવાબદારી પ્રવીણભાઈના પરિવાર અને ઓરપેટ ગ્રુપનું સંચાલન તેમના નાના ભાઈ જયસુખભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા સંભાળી રહ્યા છે.