રાષ્ટ્રપતિ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓનું હીરાસર એરપોર્ટથી રાજકોટમાં આગમન થયું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હીરાસરથી સર્કિટ હાઉસ ખાતે તેમનો કાફલો પહોંચ્યો હતો. આજે રાત્રિ રોકાણ અહીં જ સર્કિટ હાઉસ ખાતે કરશે. જેને લઈને સર્કિટ હાઉસને પણ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે.
આવતીકાલે સોમનાથ અને સાસણગીર જશે
આવતીકાલે સવારે 10:00 વાગ્યે તેઓ સર્કિટ હાઉસથી હીરાસર એરપોર્ટ જવા રવાના થશે. હીરાસર એરપોર્ટ પરથી તેઓ સીધા જ સોમનાથ જવા રવાના થશે. સોમનાથ ખાતે બપોરે 12:00 વાગ્યે તેઓ સોમનાથ દાદા દર્શન કરશે અને ત્યારબાદ બપોરનું ભોજન લેશે. ભોજન બાદ તેઓ સાસણ ખાતે સિંહ દર્શન માટે જવા રવાના થશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે.
11મીએ દ્વારકાધીશના દર્શન કરશે
11 ઓક્ટોબરે સવારે તેઓ સાસણ ખાતેથી સીધા જ દ્વારકા જવા રવાના થશે. દ્વારકા મંદિર ખાતે દ્વારકાધીશના દર્શન અને બપોરનું ભોજન લીધા બાદ તેઓ જામનગર એરપોર્ટ ખાતે પહોંચશે. જામનગરથી તેઓ સીધા જ અમદાવાદ ખાતેની ગુજરાત વિદ્યાપીઠના કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.