પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સોમનાથની મુલાકાતે છે. આજે પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી સોમનાથમાં ભવ્ય રોડ-શો (શૌર્યયાત્રા) યોજાઈ હતી. જેમાં 108 અશ્વો સાથે શૌર્યયાત્રા યોજાતા અદભૂત નજારો સર્જાયો હતો. નરેન્દ્ર મોદીએ બંને હાથમાં ડમરૂ લઈ વગાડતા અલૌકિક નજારો સર્જાયો હતો. બાદમાં તેઓ સોમનાથ મહાદેવ મંદિર પહોંચ્યા હતા. અહીં મોદીએ સોમનાથ મહાદેવ સામે શિશ ઝૂકાવ્યું હતું. તેમજ પૂજા-અર્ચના કરી હતી.
શૌર્યયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રસ્તાની બંને બાજુ લાઈનબદ્ધ હજારોની સંખ્યામાં લોકો નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા ઉભા રહી ગયા હતા. લોકોએ નરેન્દ્ર મોદી પર પુષ્પાવર્ષા કરી હતી. આ દૃશ્યો જોઈ લોકો અભિભૂત થઈ ગયા હતા. અશ્વો પર સવાર ગુજરાત પોલીસના જવાનોએ માથા પર સાફા ધારણ કર્યા હતા. નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું હતું. ખુલ્લી જીપમાં નરેન્દ્ર મોદી શૌર્ય યાત્રામાં સામેલ થયા હતા. મોદી સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. શૌર્યયાત્રાના રૂટને ભગવાથી રંગી દેવામાં આવ્યો છે.