દેશના જાણીતા ઉદ્યોગગૃહ ટીવીએસના પરિવારમાં સંપત્તિના ભાગલા અંગે મોટો વિવાદ સર્જાયો છે. ટીવીએસ મોટરના ચેરમેન એમેરિટસ વેણુ શ્રીનિવાસનની પુત્રી લક્ષ્મી વેણુએ પોતાના પિતાને કાનૂની નોટિસ મોકલીને પરિવારની સંયુક્ત સંપત્તિમાં પોતાના હિસ્સાની માગણી કરી છે. તેમણે દાવો કર્યો છે કે પરિવારની સંપત્તિમાં તેમને પોતાના ભાઈ સુદર્શન જેટલો જ કાનૂની અધિકાર છે.
લક્ષ્મી વેણુએ હિન્દુ ઉત્તરાધિકાર કાયદાની જોગવાઈઓનો ઉલ્લેખ કરીને સંપત્તિના ન્યાયી ભાગલા કરવાની માગણી કરી છે. આ વિવાદ માત્ર પરિવારની અંગત સંપત્તિ પૂરતો મર્યિદિત નથી. તેમાં ટીવીએસ જૂથની અનેક મોટી કંપ્નીઓમાં પરિવારની માલિકીનો પણ સમાવેશ થાય છે.
ટીવીએસ મોટર, ટીવીએસ હોલ્ડિંગ્સ, ટીવીએસ ક્રેડિટ સર્વિસિસ અને સુંદરમ ક્લેટન જેવી કંપ્નીઓમાં પરિવારના હિસ્સા અંગે પણ વિવાદ સર્જાયો છે.
લક્ષ્મી વેણુએ નોટિસમાં જણાવ્યું છે કે વર્ષ 2005માં હિન્દુ ઉત્તરાધિકાર કાયદામાં કરવામાં આવેલા સુધારા પછી પુત્રીઓને પણ સંયુક્ત હિન્દુ પરિવારની પૈતૃક સંપત્તિમાં પુત્રો જેટલો અધિકાર આપવામાં આવ્યો છે. તેથી પરિવારના વ્યવસાયનું સંચાલન કોઈ એક સભ્ય કરતો હોય એટલે અન્ય સભ્યોના કાનૂની અધિકારો સમાપ્ત થઈ જતા નથી.
આ વિવાદમાં વર્ષ 2020માં ટીવીએસ પરિવાર વચ્ચે થયેલી સમજૂતી પણ મહત્ત્વની બની છે. તે સમયે મોટા ટીવીએસ પરિવારની વિવિધ શાખાઓ વચ્ચે વ્યવસાયો અને સંપત્તિની વહેંચણી કરવામાં આવી હતી.
જોકે, લક્ષ્મી વેણુનું કહેવું છે કે આ સમજૂતી તેમના પિતા વેણુ શ્રીનિવાસનના પરિવારની અંદર સંપત્તિના અંતિમ ભાગલા માટે નહોતી. તેમના પરિવારની અંદર સંપત્તિની વહેંચણીની પ્રક્રિયા ક્યારેય પૂર્ણ કરવામાં આવી નથી.