ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર આજે, 10 સપ્ટેમ્બરના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસે અમદાવાદ આવી પહોંચ્યા છે. સવારે 9:30 વાગ્યે દિલ્હીના IGI એરપોર્ટથી AI-423 નંબરની ફ્લાઇટમાં રવાના થઈને તેઓ સવારે 11:45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પર માધ્યમો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ તથા કર્મભૂમિ એવી ગુજરાતની પાવન ધરતી પર આવીને તેઓ ગર્વ અનુભવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિદ્યાર્થીઓ અને નાગરિકો સાથે સંવાદ સાધશે.
દરમિયાન, સાંજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે આયોજિત કાર્યક્રમ પૂર્ણ કરીને જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર જઈ રહ્યા હતા, ત્યારે બહાર જબરદસ્ત વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવીને સુત્રોચાર સાથે તેમનો વિરોધ કર્યો હતો.
આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના સગા ભત્રીજા અને NSUI કાર્યકર શુભમ ઠાકર તેમજ જયસિંહ ઠાકોર મુખ્યત્વે જોડાયા હતા. બંને કાર્યકરોએ AMA પરિસરની બહાર કાળા વાવટા બતાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.