BREAKING NEWS

ધરપકડની જોગવાઈ નાબૂદ, હવે 10 દિવસમાં રિફંડ મળશે; જાણો GST કાઉન્સિલની બેઠકમાં શું નિર્ણયો લેવામાં આવ્યો

  • October 08, 2026 05:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

GST કાઉન્સિલની 57મી બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા. બેઠકમાં વ્યવસાયો અને કરદાતાઓ માટે GST સિસ્ટમને સરળ બનાવવા, રિફંડ પ્રક્રિયા ઝડપી બનાવવા અને કર પ્રણાલીને વધુ પારદર્શક અને અનુમાનિત બનાવવા માટે અનેક મુખ્ય નિર્ણયોને મંજૂરી આપવામાં આવી.


ધરપકડની સત્તાઓ નાબૂદ કરવામાં આવી

કાઉન્સિલે કર અધિકારીઓની ધરપકડની સત્તાઓ નાબૂદ કરી છે અને કાર્યવાહી માટે મર્યાદા 1 કરોડથી વધારીને 5 કરોડ કરી છે. રિફંડ પ્રક્રિયા પણ ઝડપી બનાવવામાં આવી છે. રિફંડ દાવા સ્વીકારવાની સમય મર્યાદા 15 દિવસથી ઘટાડીને 10 દિવસ કરવામાં આવી છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે GST દરોની સમીક્ષા કરવા માટે કાઉન્સિલ દર વર્ષે એક અલગ બેઠક યોજશે.


કાઉન્સિલની બેઠક બાદ, નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે નોકરીદાતાઓને કર્મચારી વીમા કવર પર ચૂકવવામાં આવતા GST પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે. એ નોંધવું જોઈએ કે GST કાયદા હેઠળ, પોતાના અથવા તેમના પરિવારો માટે જીવન અથવા આરોગ્ય વીમા પોલિસી ખરીદતી વ્યક્તિઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે, જ્યારે કોઈ કંપની તેના કર્મચારીઓ માટે જીવન અથવા આરોગ્ય વીમા કવર ખરીદે છે, ત્યારે તે 18 ટકા GST આકર્ષે છે અને અત્યાર સુધી વ્યવસાયો તેના પર ITCનો દાવો કરી શકતા નથી. 


કર્મચારીઓના હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પર ITC મળશે

કંપનીઓ માટે બીજો મોટો નિર્ણય કર્મચારીઓના સ્વાસ્થ્ય અને જીવન વીમા સાથે જોડાયેલો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે જે ગ્રૂપ હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ લે છે તેના પર ચૂકવવામાં આવેલા GSTની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ક્લેઇમ કરવાની છૂટ આપવામાં આવી છે. આ વ્યવસ્થા લાગુ થવાથી કર્મચારી કલ્યાણ પાછળ કંપનીઓનો જે વાસ્તવિક ખર્ચ થતો હતો તેમાં મોટો ઘટાડો થશે.


ટેલિકોમ ટાવર અને ફેક્ટરી બહારની પાઇપલાઇન પર પણ ITC મંજૂર

GST કાઉન્સિલે ટેલિકોમ ટાવર અને ફેક્ટરી પરિસરની બહાર પાથરેલી પાઇપલાઇન પર પણ ITC મેળવવાનો માર્ગ મોકળો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ પગલાથી ટેલિકોમ ક્ષેત્રની સાથે રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ્સ, ગેસ વિતરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલા ઉદ્યોગોને મોટો ફાયદો થશે, કારણ કે આ ઉદ્યોગોમાં આવા માળખાકીય સાધનો પાછળ મોટો મૂડીખર્ચ કરવો પડતો હોય છે.

ડિલિવરી સેવાઓ પર ટેક્સ 18% થી ઘટીને 5% થયો

ડિલિવરી સેક્ટરમાં કામ કરતા લોકો અને કંપનીઓ માટે પણ મોટા રાહતના સમાચાર છે. સૂત્રો અનુસાર, અનરજિસ્ટર્ડ ડિલિવરી સર્વિસ આપતા રાઇડર્સની સેવાઓ પર GST દર 18% થી ઘટાડીને 5% કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સુધારાના પગલે નાના ડિલિવરી સર્વિસ પ્રોવાઇડર્સ અને ઈ-કોમર્સ કંપનીઓ પર કરવેરાનો બોજ નોંધપાત્ર રીતે હળવો થશે.


આઉટડોર કેટરિંગ ખર્ચ પર પણ ITCનો લાભ

કંપનીઓ માટે વધુ એક લાભકારી નિર્ણય આઉટડોર કેટરિંગ અંગે લેવાયો છે. સૂત્રોના અહેવાલો મુજબ, પાત્રતા ધરાવતા વ્યવસાયોને આઉટડોર કેટરિંગ પાછળ થતા ખર્ચ પર ચૂકવાયેલા GST સામે ITC મેળવવાની મંજૂરી મળશે, જેથી કોર્પોરેટ ઇવેન્ટ્સ અને કેટરિંગ ખર્ચમાં કંપનીઓને બચત થશે.


રિટ્રેડેડ ટ્રેક્ટર ટાયર પર હવે માત્ર 5% ટેક્સ

ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પણ ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રિટ્રેડેડ ટ્રેક્ટર ટાયર પર GST દર 18% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી જૂના ટ્રેક્ટર ટાયરને ફરી ઉપયોગ કરવા યોગ્ય બનાવીને તૈયાર કરાયેલા રિટ્રેડેડ ટાયર હવે ખેડૂતોને ઓછા દરે ઉપલબ્ધ થશે.

FMCG અને દવા બનાવતી કંપનીઓને મોટો ફાયદો

કાઉન્સિલે ફ્રી સેમ્પલ અને કાયદા મુજબ નષ્ટ કરવા પડતા સામાન પર પણ ITC સુધારા મંજૂર કર્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કંપનીઓ જે ફ્રી સેમ્પલ આપે છે અને જેના પર GST ચૂકવવામાં આવ્યો હોય તેમજ એક્સપાયર થઈ ગયેલો માલ જેને કાયદેસર નાબૂદ કરવો ફરજિયાત હોય, તેના પર કંપનીઓને ITC ક્લેઇમ કરવાની મંજૂરી મળશે. આ ફેરફારથી FMCG અને ફાર્મા ક્ષેત્રને સૌથી મોટી રાહત મળશે, કારણ કે દવાની કંપનીઓમાં ડોક્ટર્સને સેમ્પલ આપવા અને તારીખ વીતી ગયેલી દવાઓ નષ્ટ કરવી એ રોજીંદા વેપારનો મુખ્ય હિસ્સો છે.

10,000 રૂપિયાથી ઓછી રકમના કેસમાં શો-કોઝ નોટિસ નહીં

ટેક્સ વિવાદો ઘટાડવા અને વહીવટી બોજ ઓછો કરવા માટે પણ એક પ્રશંસનીય પગલું લેવાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાઉન્સિલે 10,000 રૂપિયાની લઘુત્તમ મર્યાદા નક્કી કરી છે. આ નિયમ મુજબ, હવે 10,000 રૂપિયાથી ઓછી રકમની ટેક્સ માંગણીના કિસ્સામાં વેપારીઓને શો-કોઝ નોટિસ જારી કરવામાં આવશે નહીં. તેનો મુખ્ય હેતુ નજીવી રકમના વિવાદો પાછળ વેપારીઓ અને ટેક્સ વિભાગ બંનેનો સમય તેમજ સરકારી સંસાધનો બચાવવાનો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application