પંજાબના પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મેકઅપ આર્ટિસ્ટ મધુસૂદન સંધુ ઉર્ફે મેડ સંધુની હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચે આ હત્યાના મુખ્ય આરોપી અને ગોળીબાર કરનાર પરમિંદર કાકા ઉર્ફે પરમિંદર પ્રસાદની ધરપકડ કરી લીધી છે. આ સનસનાટીભર્યા કેસમાં હાલ પંજાબથી લઈને ગુજરાત સુધી તપાસનો દોર ચાલી રહ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, ગત ત્રીજી ઓક્ટોબરે સાંજે છ વાગ્યાના અરસામાં પંજાબના અમૃતસરમાં લોહારકા રોડ પર આ હુમલો થયો હતો. ફેશન ડિઝાઇનર અને એલજીબીટીક્યુ સમુદાયનો જાણીતો ચહેરો એવા મેડ સંધુ પોતાની વોશ કરવા મૂકેલી કાર પાછી લેવા ગયો હતો, તે દરમિયાન બાઈક પર સવાર થઈને આવેલા બે શખ્સોએ તેમની ખૂબ જ નજીક આવીને અચાનક બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં મેડ સંધુને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને ત્વરિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.
આ હત્યાકાંડ બાદ સોશિયલ મીડિયા પર 'ગોલ્ડી ધિલ્લોન ગેંગ' નામના એકાઉન્ટ દ્વારા આ હત્યાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મેડ સંધુ કાર પાર્ક કરી રહ્યો હતો ત્યારે બે યુવકો બાઈક પર આવ્યા હતા. એક યુવક બાઈક પર જ બેસી રહ્યો હતો જ્યારે બીજાએ મેડ સંધુ પર તાકીને ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી બે ગોળીઓ તેમને વાગી હતી. આ ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં મેડ સંધુ લોહીથી લથપથ અવસ્થામાં નજરે પડ્યો હતો અને સ્થાનિક લોકો કે સાથીઓ તેમને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે એક કલાક બાદ પોલીસ પહોંચી હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા.
પંજાબના અમૃતસર કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી. દરમિયાન, બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પરમિંદર કાકાને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે પરમિંદરે જ મેડ સંધુ પર ફાયરિંગ કર્યું હતું અને હત્યા બાદ તે પંજાબથી નાસીને અમદાવાદ આવી ગયો હતો. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારબાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પંજાબ પોલીસને સોંપવામાં આવશે.