BREAKING NEWS

ગુજરાતમાં 225 કેન્દ્રમાં આજથી ટેકાના ભાવે ચણા-રાયડાની ખરીદી શરૂ, મેસેજ મળે તે ખેડૂતોએ જ આવવા સૂચના

  • March 23, 2026 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રવિ સિઝન પૂરી થતાંની સાથે સરકારે અગાઉ કરેલી જાહેરાત મુજબ આજથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં આ માટે કુલ 225 કેન્દ્ર નિર્ધારિત કરવામાં આવ્યા છે અને જે ખેડૂતોને તેમનો માલ વેચવા માટેના મેસેજ મળે તેવા ખેડૂતોએ જ જે તે દિવસે, સમયે અને સ્થળે પહોંચી જવા માટે સૂચના આપવામાં આવી છે.


સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ખેડૂતોને પુરતો સમય આપવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં 2.96 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે. ચણા માટે 165 અને રાયડા માટે 60 ખરીદ કેન્દ્રો સરકારે શરૂ કર્યા છે. ચણા માટે 2.59 લાખ અને રાયડા માટે 37,000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે.


ખેડૂતના બદલે કોઈ વેપારી પોતાનો માલ ટેકાના ભાવે સરકારને વેચી ન જાય તે માટે નવી વ્યવસ્થામાં હવે આધાર ઇનેબલ્ડ બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિફીકેશન સિસ્ટમ અમલમાં મૂકી છે અને ચણા તથા રાયડાની ખરીદીમાં પણ આ સિસ્ટમ ચાલુ રાખવામાં આવી છે. જો કોઈ કિસ્સામાં માલ વેચનાર ખેડૂત હાજર ન રહી શકે તેવી સ્થિતિ હોય તો તેમના બદલે નોમિનીની વ્યવસ્થા કરવામાં આવી છે.

ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી જે કેન્દ્રમાં કરવામાં આવી છે ત્યાં વ્યવસ્થાના પ્રશ્નો ઊભા ન થાય અને માલ વેચવા આવનાર ખેડૂતને લાંબો સમય સુધી રાહ ન જોવી પડે તે માટે જે ખેડૂતોને મેસેજ મોકલવામાં આવે છે તેવા ખેડૂતો એ જ મેસેજમાં દર્શાવેલા સમયે અને સ્થળે હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. તબક્કાવાર ખેડૂતોને બોલાવીને ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવી રહી હોવાથી લાંબો સમય સુધી ખેડૂતોને બેસી રહેવું પણ પડતું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application