ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઇકાલે રાજકોટમાં મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ રૂ. ૨૬૮ કરોડથી વધુ રકમના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે મુખ્યમંત્રીના હસ્તે થોરાળા ગામના ૮૭ ખેડૂતોને આજી-૧ ડેમના જમીન સંપાદનને કારણે રી-ગ્રાન્ટ થયેલી જમીનના ટાઈટલ હક આપવા અંતર્ગત ગામ નમૂના નં. ૭/૧૨નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પ્રાસંગિક ઉદબોધનમાં મુખ્યમંત્રીએ મહાનગરોમાં હવે બનનારા તમામ રોડ આર.સી.સી.ના બનાવવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, વિકાસ કાર્યોમાં ગુણવત્તા જળવાવી જોઈએ. આ માટે દરેકે સહભાગી થવું જોઈએ. વિશેષમાં આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિકાસ કેવો હોય એને કેટલા ઊંચા સ્તરનો હોય તેનો અનુભવ વડાપધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌને કરાવ્યો છે. રાજકોટવાસીઓને વિકાસનો સૌથી વધુ અનુભવ છે. એક સમયે સૌરાષ્ટ્રમાં પાણી, વીજળીના પારાવાર પ્રશ્નો હતા. જો સૌની યોજના ન આવી હોત તો
સૌરાષ્ટ્ર છોડવું પડયું હોત, એવો પ્રતિભાવ જન પ્રતિનિધિઓ વ્યક્ત કરે છે. તેમણે કહ્યું હતું કે, નાનામાં નાના માણસના જીવનમાં પરિવર્તન કેવી રીતે આવે અને તેને સમાજના મુખ્ય પ્રવાહમાં કેવી રીતે ભેળવી શકાય તેનો ખ્યાલ રાખતા તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ધરમૂળથી પરિવર્તન કર્યા છે. રાજકોટ જિલ્લાના થોરાળા ગામના ખેડૂતોને વર્ષો જૂનો પ્રશ્ન પણ યોગ્ય રજૂઆતો થકી ઉકેલવામાં આવ્યો છે. રજૂઆતમાં જે સૌમ્યતા હોય તો કોઈ પણ પ્રશ્નનું શાંતિપૂર્વક રીતે નિરાકરણ લાવી શકાય છે. પ્રજાજનોના પ્રશ્નો ઉકેલવા માટે સરકાર પ્રતિબદ્ધ હોવાની ખાતરી પણ તેમણે ઉચ્ચારી હતી. આ વર્ષે કોમનવેલ્થમાં ભારતે ૩૯ મેડલ જીત્યા છે, તેનો હર્ષ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં યોજાવાની
છે. આ માટે તેમણે રમતવીરોને ખૂબ સરસ તૈયારી કરીને ગુજરાતનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે રાજ્યના શિક્ષણમંત્રી ડો. પ્રધુમનભાઈ વાજાએ રાજકોટને કલા અને સાહિત્યની ભૂમિ ગણાવતા કહ્યું હતું કે, આજે રૂ. ૨૬૮ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી રંગીલા રાજકોટના વિકાસમાં વિકાસરૂપી રંગનું વધુ એક પીછું ઉમેરાયું છે. આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફુલપતિ ડો. ઉત્પલ જોશીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે પ્રાસંગિક ઉદબોધનમાં રાજકોટના મેયર ડો. નેહલભાઈ શુક્લે શેરો શાયરી લલકારી ભારે જમાવટ કરી હતી. આ પ્રસંગે ટાઈટલ હક મેળવનારા થોરાળા ગામના ખેડૂત પ્રતિનિધિ ગણેશભાઈ રંગાણીએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. જ્યારે જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે મહાનગરપાલિકાના રૂ.૧૫૩.૩૫ કરોડના ૧૩ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું તેમજ રૂ. ૯૪.૪૨ કરોડના ૧૩ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રૂ. ૧૧.૯૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલું નવીન ઓડિટોરિયમ, રૂ.૭.૭૧ કરોડના ખર્ચે બનેલી લાઈબ્રેરી તેમજ રૂ.૬૮ લાખના ખર્ચે તૈયાર થયેલા હેલ્થ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત સમારોહમાં રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડો. દર્શિતાબેન શાહ, ઉધ્યભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરિયા, મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રોબેશનરી આઈ.એ.એસ. ટીના કલ્યાણ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે સહિતના અગ્રણીઓ, ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.