રાજકોટ શહેરમાં સ્પાના ઓઠા હેઠળ ચાલતા વધુ એક કુટણખાનનો પર્દાફાશ કર્યો છે. એએચટીયુ ટીમે અમીન માર્ગ પર આવેલ શાન્શા સ્પામાં દરોડો પાડી સ્પા સંચાલક અને મહિલા રિસેપ્શનિસ્ટની ધરપકડ કરી અલગ અલગ રાજ્યોની પાંચ યુવતીઓને મુક્ત કરાવી હતી. જયારે સ્પા માલિક કથિત પત્રકાર અને સ્પા સંચાલક એસો.ના પૂર્વ ઉપપ્રમુખ સહીત બે શખસોની શોધખોળ હાથ ધરી હતી.
શહેરી વિસ્તારમાં દેહ વ્યાપારના દુષણને ડામવા અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સૂચના આપવામાં આવી હતી. જે સૂચનાને લઇ પીઆઈ પી.એન.પઢીયારના માર્ગદર્શન હેઠળની ટીમો કાર્યરત હતી. દરમિયાન એએચટીયુ ટીમને હકીકત મળી હતી કે, અમીન માર્ગ પર ડિમ્પલ કોમ્પ્લેક્સ-2 ખાતે આવેલ શાન્શા સ્પામાં યુવતીઓને રાખી મસાજના નામે ગ્રાહકોને બોલાવી દેહ વ્યાપાર કરવવામાં આવી રહ્યો છે. જે હકીકતની ખરાઇ કરાવ્યા બાદ પોલીસે દરોડો પાડયો હતો. અહીંથી પોલીસે દેહ વેપારના દુષણનો પર્દાફાશ કરી રૂ. 5650 ની રોકડ અને બે મોબાઈલ મળી કુલ રૂ. 15,650 નો મુદ્દામાલ કબ્જે કરી ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેંશન એક્ટ-1956 ની કલમો હેઠળ ગુનો નોંધી સ્પા સંચાલક પ્રતિક શૈલેષભાઇ તન્ના (ઉવ 39 રહે. પાવન પાર્ક એપાર્ટમેન્ટ, સત્યસાંઈ રોડ, રાજકોટ) અને રિસેપ્શનિસ્ટ રવીના રામજીભાઈ વાઘેલા (ઉવ 23)ની ધરપકડ કરી હતી. જયારે દરોડા દરમિયાન હાજર નહિ મળી આવેલ સ્પા માલિક આદિત્ય પ્રફુલભાઈ મજેઠીયા (ઉવ 29 રહે. પાવન પાર્ક, સત્યસાંઈ રોડ, રાજકોટ) અને તેનો ભાગીદાર ક્રિશ હિતેષભાઇ રૂઘાણી (ઉવ 24 રહે. સત્યસાંઈ રોડ, રાજકોટ) ની શોધખોળ હાથ ધરી હતી.
સ્પામાંથી ત્રિપુરા, દિલ્લી, મિઝોરમ, મેઘાલય અને યુપીની પાંચ યુવતીઓને મુક્ત કરાવાઈ હતી. પોલીસે સુત્રોના જણાવ્યા અનુસાર સ્પા માલિક આદિત્ય મજેઠીયા અગાઉ સ્પા સંચાલક એસો.નો પૂર્વ પ્રમુખ છે અને તે પોતે પત્રકાર પણ હોવાનો દાવો કરે છે.
દરોડાની કામગીરી પીઆઈ પી.એન.પઢીયાર, એએસઆઈ સલીમભાઈ મકરાણી, અજયકુમાર શુક્લા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઈ મારૂ, ગિરિરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ હસમુખભાઈ બાલધા, મહેશભાઈ ગણેશપ્રસાદ, સૂર્યકાંતભાઈ જાદવ, જ્યોતિબેન બાબરીયા, ભૂમિકાબેન ઠાકર દ્વારા કરવામાં આવી હતી.