રાજકોટ શહેરમાં સ્પાના ઓઠા હેઠળ ધમધમતા વધુ એક કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અમીન માર્ગ પર આવેલ ધ મુનલાઈટ સ્પામાં માલવિયાનગર પોલીસે દરોડો પાડી યુપી, દિલ્લી અને પૂર્વોતર રાજ્યની ચાર યુવતીઓને મુક્ત કરાવી મહિલા મેનેજરની ધરપકડ કરી હતી. જયારે સ્પા સંચાલક નરેન્દ્ર ગઢવીની હાજન મળી આવ્યો ન હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિક, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ અને એસીપી બી.જે. ચૌધરી દ્વારા શહેરી વિસ્તારમાં અલગ અલગ હોટલ, સ્પા અને હેલ્થ સેન્ટરની આડમાં ધમધમતા કુટણખાના ઉપર દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જે સૂચનાને લઇ માલવિયાગર પોલીસ મથકના પીઆઈ જે.એમ. કૈલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી. મારૂ અને એએસઆઈ કેતનભાઇ શેખલીયાને હકીકત મળી હતી કે, અમીન માર્ગ પર રાધે વન કોમ્પ્લેક્સના ત્રીજા માળે ધ મુન લાઇટ સ્પામાં ગોરખધંધા ચાલી રહ્યા છે. જેથી પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્પાના ઓઠા તળે દેહ વેપારનું દુષણ ચલાવતા મહિલા મેનેજર કિંજલબેન કિશોરભાઈ દેસાઈ ( રહે ગોકુલ પાર્ક શેરી નં.- 2, કોઠારીયા મેન રોડ, રાજકોટ)ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સ્પા સંચાલક નરેન્દ્ર ચાવડા હાજર નહીં મળી આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, અહીં સ્પામાં સંચાલક અને મહિલા મેનેજર યુપી, દિલ્હી અને પૂર્વોતર રાજ્યોમાંથી યુવતીઓને બોલાવી દેહ વેપારનું દુષણ ચલાવતા હતા. રંગીન મિજાજીઓ પાસેથી રૂ. 5000 વસૂલી તેઓ હજાર રૂપિયા યુવતીઓને ચૂકવી અન્ય ચાર હજાર પોતાના ખીસ્સામાં નાખી ગોરખધંધો ચલાવતા હતા. પોલીસે અહીંથી દિલ્હીની બે, યુપીની એક અને પૂર્વોતર રાજ્યની એક મળી કુલ ચાર યુવતીઓને મુક્ત કરાવી હતી.આ કામગીરીમાં માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ જે.એમ.કૈલા, પીએસઆઇ કે.ડી.મારૂ, એએસઆઈ કેતનભાઇ શેખલીયા, કેતનભાઇ નિકોલા, હેડ કોન્સ્ટેબલ કૃણાલસિંહ ઝાલા, સારંગભાઇ ઓગણીયા, કોન્સ્ટેબલ મનીષભાઈ સોઢીયા, સુનિતાબેન વાઘેલા, નિશાબેન બરાસરા સાથે રહ્યા હતાં.