BREAKING NEWS

રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર: 27 ઓક્ટોબરથી ટિકિટ કાઉન્ટર પર ટ્રાવેલ ઇન્સ્યોરન્સ માટે ડિજિટલ પેમેન્ટ ફરજિયાત

  • October 27, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેલવે ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ ખરીદતા મુસાફરો માટે રેલવે બોર્ડ દ્વારા એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમે ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવતી વખતે વૈકલ્પિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ (મુસાફરી વિમો) નો વિકલ્પ પસંદ કરો છો, તો 27 ઓક્ટોબરથી તમારે વીમા પ્રીમિયમ સહિતની સંપૂર્ણ રકમનું ચુકવણું ફરજિયાતપણે ડિજિટલ માધ્યમથી જ કરવાનું રહેશે. રેલવે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે વીમાનું પ્રીમિયમ હવે રોકડ (કેશ) માં સ્વીકારવામાં આવશે નહીં.


સર્વોચ્ચ અદાલતના 6 ઓક્ટોબરના આદેશ બાદ રેલવે બોર્ડ દ્વારા આ નવો ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે વીમા પ્રીમિયમ માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ફરજિયાત બનાવ્યું છે. આ ઉપરાંત, રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે 5, 10, 20 અને 25 પૈસાના સિક્કા હવે વ્યવહારમાં કાયદેસરનું ચલણ રહ્યા નથી. વીમાનું પ્રીમિયમ પૈસાના નાના આંકડામાં હોવાથી, તેનો રોકડ વ્યવહાર શક્ય બનતો નથી. આથી ટિકિટ ભાડું અને વીમા પ્રીમિયમ બંનેનું ચુકવણું ઓનલાઇન કે ડિજિટલ મોડથી કરવું પડશે.


અત્યાર સુધી ઓનલાઇન આઈઆરસીટીસી (IRCTC) વેબસાઇટ કે એપ દ્વારા ટિકિટ બુક કરાવનારા મુસાફરોને જ આ વિકલ્પ મળતો હતો, પરંતુ હવે રેલવે બોર્ડે 24 ઓક્ટોબર 2026 ના પત્ર દ્વારા તમામ ઝોનલ રેલવેને સૂચના આપીને તેને પીઆરએસ (PRS) ટિકિટ કાઉન્ટર સુધી વિસ્તારી દીધો છે. આ સુવિધા માટે 'સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ' (CRIS) દ્વારા જરૂરી સૉફ્ટવેર અપડેટ કરવામાં આવ્યા છે.


​​​​​​​નવા નિયમ મુજબ, જો મુસાફરો ટિકિટ રદ કરાવે છે, તો ટિકિટ રદ કરવાના નિયમિત શુલ્ક સાથે 45 પૈસાના વીમા પ્રીમિયમમાંથી 9 પૈસા કાપવામાં આવશે. CRIS અને IRCTC ના તાલમેલથી તમામ કાઉન્ટરો પર આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી રહી છે. તમામ ઝોનલ રેલવેને 27 ઓક્ટોબરથી કાઉન્ટર પરથી ડિજિટલ પેમેન્ટ દ્વારા જ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ આપવાની વ્યવસ્થા પૂર્ણ કરવા આદેશ અપાયો છે. આ પગલાથી રેલવેમાં ડિજિટલ લેવડદેવડને મોટો પ્રોત્સાહન મળશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application