BREAKING NEWS

સાંઢીયા પુલની ગર્ડર લોન્ચિંગ સ્કિમને રેલવેની મંજૂરી, હવે કામ ઝડપી બનશે

  • January 29, 2026 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાંઢીયા પુલ પ્રોજેક્ટ અંતર્ગત રેલવે ટ્રેક ઉપરના હિસ્સામાં ગર્ડર લોન્ચિંગ કરવા રેલવેમાંથી મંજૂરી મળતી ન હોય કામ અટક્યું હતું. દરમિયાન આજકાલ દૈનિકમાં આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ત્વરિત મંજૂરી મળી જતા હવે મહાપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે લોકાર્પણનો માર્ગ મોકળો બની ગયો છે.

રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૩ની બરાબર વચ્ચે આવેલા જામનગર રોડ ઉપરના સાંઢીયા પુલનું ૮૦ ટકા પૂર્ણ થઈ ગયું છે પરંતુ રેલવે ટ્રેક ઉપરના હિસ્સામાં ગર્ડર ચડાવવાની મંજૂરી રેલવેમાં વિલંબિત થવાના કારણે હાલ પુલનું કામ અટકી પડ્યું હતું દરમિયાન આ અંગે આજકાલ દૈનિકમાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ અધિકારીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો તેમજ સાંસદોએ

પ્રોજેક્ટનું ફોલોઅપ લેતા રેલવેએ ગર્ડર લોન્ચિંગ સ્કિમને મંજૂરી આપી દીધી છે જેથી હવે રેલવે ટ્રેક ઉપરના હિસ્સામાં ગર્ડર મુકવાનું કામ બ્લોક ( ટ્રેન પસાર થવાની ન હોય તેવો સમય) મળતાની સાથે ઝડપથી આગળ ધપશે.

જેથી મહાપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે મતલબ કે આગામી એપ્રિલ માસ સુધીમાં પુલ ખુલો મુકાય તેવી પૂરી શક્યતા છે. પચાસ વર્ષથી વધુ જૂના સાંઢીયા પુલને તોડી તેના સ્થાને મહાપાલિકા દ્વારા ૭૪ કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલા ફોર લેન ફ્લાય ઓવરબ્રિજ પ્રોજેક્ટમાં હવે બરાબર રેલવે ટ્રેક ઉપરના હિસ્સામાં ગર્ડર મુકવાનું કામ બાકી છે અને તે માટે ટ્રેન પસાર થતી ન હોય તેવો સમય મેળવવાનો રહે જેને રેલવેની ભાષામાં બ્લોક કહેવામાં આવે છે. આ બ્લોક મેળવવા મનપા દ્વારા સમયસર નહીં પરંતુ વહેલાસર જુલાઈ ૨૦૨૫થી માંગણી રજૂ કરાઇ હતી પરંતુ રેલવેમાંથી મંજૂરી આવી ન હોય અહીં કામ અટક્યું હતું પરંતુ હવે આ માટે રેલવે તંત્રની મંજૂરી મળી જતા કામ આગળ ધપશે.

રેલવે ટ્રેકની ઉપર ગર્ડર મૂકતા પૂર્વે રેલવે તંત્ર સમક્ષ ગર્ડર લોન્ચિંગ સ્કિમ એપ્રુવલ માટે મોકલવાની હોય છે, જેમાં ક્યાં આગળ ક્રેઇન ઊભી રાખવામાં આવશે અને ક્યાંથી કઈ રીતે ગર્ડર લોન્ચ થશે તેનું સમગ્ર પ્લાનિંગ આપવાનું હોય છે.રેલવે ટ્રેક ઉપર કુલ છ ગર્ડર ચડાવવાના છે અને દરેક ગર્ડરના લોન્ચિંગમાં બે કલાક જેવો સમય લાગે છે અને છ ગર્ડર લોન્ચ કરવામાં કુલ ૧૨ કલાકનો સમય લાગે. ટ્રેન પસાર થતી ન હોય તેવા સમયે જ આ કામ થઇ શકે અને તેવો સમય મતલબ કે બ્લોક આપવામાં રેલવે તરફથી વિલંબ થઇ રહ્યો છે. આ કામે એક સાથે ૧૨ કલાકનો સમય ન મળે તેથી સમયાંતરે બે થી ત્રણ કલાકનો સમય અપાય તો ચાર તબક્કામાં એક મહિનામાં આ કામ પૂર્ણ થશે.

રેલવેએ ઉપરોક્ત સમગ્ર પ્રક્રિયાને મંજૂરી આપી દેતા હવે ટૂંક સમયમાં રેલવે અને મહાપાલિકાના ઇજનેરો સાથે મળીને ટ્રેન પસાર ન થતી હોય તેવો સમય નક્કી કરી ગર્ડર લોન્ચ કરવાનું કામ શરૂ કરશે તેમ મનપા અને રેલ્વેના અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application