BREAKING NEWS

જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, ખેડૂતોમાં દોડધામ મચી

  • October 25, 2025 05:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal team

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આથી મગફળીના તૈયાર પાકને ઢાંકવા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ છે.



મળતી માહિતી મુજબ, ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં હવામાનમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. વેરાવળ શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. આ અણધાર્યા વરસાદથી ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ખાસ કરીને લણણી માટે તૈયાર થઈ રહેલા પાકોને આ કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને પોતાના પાકને બચાવવા માટે તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કે સુરક્ષિત કરવાની દોડધામ કરવી પડી હતી.



સોમનાથમાં ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદની શરૂઆત થતાં જ રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સોમનાથ મંદિર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો, જેના લીધે આસપાસના વિસ્તારોમાં પણ માવઠાની અસર જોવા મળી હતી. યાત્રાધામમાં આવેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને અચાનક વરસેલા વરસાદના કારણે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.



કમોસમી વરસાદની આ સિસ્ટમ ખેડૂતો માટે બેવડી આફત લઈને આવી છે. એક તરફ શિયાળુ પાકની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ કપાસ, મગફળી અને અન્ય પાકોની લણણી ચાલી રહી છે. આવા સમયે વરસાદ થવાથી તૈયાર પાક ભીંજાઈ જાય છે, જેની ગુણવત્તા બગડે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. ગીર સોમનાથના ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક પાક સર્વે અને યોગ્ય વળતરની માંગ કરી છે, જેથી આ કમોસમી માવઠાના કારણે થયેલા નુકસાનમાંથી તેઓ બહાર આવી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application