BREAKING NEWS

માવઠાનો માર ખેડૂતોને રોવડાવશે! દિવાળી પર જ ગુજરાતમાં વરસાદની આગાહી, આ તારીખે મેઘરાજા બનશે વિઘ્ન

  • October 19, 2025 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે વરસાદની પણ આગાહી કરી છે. દિવાળી પર જ ગુજરાતમાં વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે. રાજ્યમાં 20થી 22 ઓક્ટેબર સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે અને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


બેવડી ઋતુનો અનુભવ

ગુજરાતમાં ચાલુ વર્ષે જે પ્રકારે ચોમાસુ સિઝનના છેલ્લા ચરણમાં વરસાદે બઘડાટી બોલાવી હતી એ જ રીતે શિયાળાનું પણ વહેલું આગમન થાય એવા એંધાણ દેખાઈ રહ્યા છે. અત્યારથી જ રાજ્યમાં મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીની શરૂઆત થવા લાગી છે. વર્ષો પહેલા દિવાળી સમયથી જ ઠંડીની શરૂઆત થતી હતી, તે સમય ફરી આવ્યો હોય તેવું લોકો અનુભવી રહ્યા છે. શહેરમાં દિવસ અને રાત્રીના તાપમાન વચ્ચે 10 ડિગ્રી જેટલો તફાવત રહેતા બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.


ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઠંડીનો ચમકારો વહેલો આવી ગયો છે. ગત વર્ષે આ સમયે રાત્રે પણ ગરમીનો વરતારો રહેતો હતો. હવામાન વિભાગે પણ ચોમાસું ગયુ તેવી સત્તાવાર જાહેરાત કરી છે, ગુજરાતમાં ચોમાસું ગયું છે તેમજ ભારતના અન્ય રાજયોમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, આગામી 7 દિવસ ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું રહેશે પણ વરસાદની કોઈ આગાહી કરાઈ નથી, અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આગામી સાત દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહી.


ઉત્તરીય ભાગમાં પહાડી વિસ્તારમાં બરફવર્ષા

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ઠંડી વધી તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે છે. અત્યારે દેશના ઉત્તરીય ભાગમાં ભૂસ્ખલન અને હિમવર્ષા જોવા મળી રહી છે. ઉત્તરીય ભાગમાં પહાડી વિસ્તારમાં બરફવર્ષા થઇ રહી છે. ઉત્તરભાગ તરફથી આવતા ઠંડા પવનોને લીધે અત્યારે ગુજરાત સહિતના રાજ્યોમાં પણ તાપમાનનો પારો ગગડયો છે. ગુજરાતમાં હજુ પણ કેટલાક સ્થાનો પર છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઠંડીની શરૂઆત થતા લોકો બેવડી સિઝનનો અનુભવ કરી રહ્યા છે.


લક્ષદ્વીપમાં હળવો વરસાદ થવાની સંભાવના

ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. લક્ષદ્વીપમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મધ્યમ વરસાદની સંભાવના છે. આસામ અને મેઘાલય, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ અને માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પશ્ચિમ-મધ્ય અને ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રના માછીમારોને ઊંચા મોજા અને જોરદાર પવનના જોખમને કારણે સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application