રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક જ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય બફારા બાદ આજે બપોર પછી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજકોટના કાલાવડ રોડ અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં અચાનક કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક
છેલ્લા ઘણા સમયથી લોકો સવારથી જ ગરમી અને અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠ્યા હતા. જોકે, કાલાવડ રોડ તરફના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા આ અણધાર્યા વરસાદના કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને સમગ્ર પંથકમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે. ભારે પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા આ વરસાદને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અચાનક આશરો લેવાની ફરજ પડી હતી.
ખીરસરા અને મેટોડા જીઆઈડીસી સહિતના ગામોમાં વરસાદ
વાતાવરણમાં આવેલા આ મોટા બદલાવને કારણે કાલાવડ રોડ પર આવેલા ખીરસરા, રણમલજી, વિરડા, વાજડી વડ, વાજડી તેમજ ઉદ્યોગોથી ધમધમતા મેટોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. વરસાદનું જોર એટલું સારું હતું કે માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતા.