કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદની આગાહી

  • May 01, 2025 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળાની ગરમી અને હીટ વેવ નો સામનો કરી રહેલા સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના લોકોને આગામી તારીખ ત્રણ અને શનિવારથી તેમાં મોટી રાહત મળશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે અને આવતીકાલે બે દિવસ માટે મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય પરંતુ શનિવારથી તોફાની પવન અને મેઘ ગર્જના સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.


શનિવારથી ગુજરાતમાં માવઠાનું દે ધનાધન

નોર્થ વેસ્ટ ઇન્ડિયા ને પ્રભાવિત કરે તેવું એક પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતીકાલે સર્જાઈ રહ્યું છે તેની અસરના ભાગરૂપે દેશના અન્ય રાજ્યોની માફક ગુજરાતમાં પણ આગામી શનિવારથી તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજ્યના અમુક વિસ્તારોમાં પ્રતિ કલાકના 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને અમુક તબક્કે તેની ઝડપ વધીને 50 થી 60 કિલોમીટર આસપાસ પહોંચી જવાની શક્યતા છે.


માવઠાનો વરસાદ 5 થી 6 દિવસ સુધી ચાલે તેવી શક્યતા

વરસાદ તારીખ 3 થી શરૂ થતો માવઠાનો વરસાદ 5 થી 6 દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરના કારણે ગુજરાત ઉપરાંત જમ્મુ કશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ ઉતરાખંડ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાનમાં પણ વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળની બોર્ડર પર બાંગ્લાદેશ નજીક સાયકલોનીક સર્ક્યુલેશન છવાયું છે અને તેમાં કેરલથી એક ટ્રફ પસાર થઈ રહ્યું છે. આ સિસ્ટમના કારણે બિહાર ઝારખંડ બંગાળ ઓડિશા સિકકમ મધ્ય પ્રદેશ છત્તીસગઢ કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરલા તમિલનાડુ પુડીચેરી નાગાલેન્ડ મણીપુર સહિતના રાજ્યોમાં પણ તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.


શનિવારથી તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી ઘટાડો થવાની શક્યતા

ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં મહત્તમ તાપમાન આજે અને આવતીકાલે સામાન્ય વધઘટ સાથે લગભગ યથાવત રહેશે. પરંતુ શનિવારથી તેમાં ત્રણથી ચાર ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતા છે.


ગઈકાલે રાજ્યું સૌથી ગરમ શહેર રાજકોટ રહ્યું

બુધવારે રાજકોટમાં 44.5, અમરેલીમાં 43.8, ભુજમાં 42.4, અમદાવાદમાં 43.5, વડોદરામાં 41.6, ડીસામાં 43.5 અને ગાંધીનગરમાં 43.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજના પ્રમાણની વાત કરીએ તો કંડલામાં 78 નલિયામાં 70 ઓખામાં 86 પોરબંદરમાં 78 રાજકોટમાં 75 સુરતમાં 77 અને વેરાવળમાં 88% ભેજ નોંધાયો છે. દ્વારકા સુરત અને વેરાવળમાં આજે સવારે અપર લેવલે ભેજવાળા વાદળો પણ જોવા મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application