ગુજરાતના ખેડૂતો પર ફરી એકવાર આફતના વાદળો મંડરાતા નજરે પડી રહ્યા છે. ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થવાની શક્યતાને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કચ્છ સહિત ત્રણ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી ખેડૂતોને સાવચેત રહેવા સૂચન કર્યું છે.
વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ અચાનક બદલાયેલા હવામાનથી ખાસ કરીને રવિ પાકોને નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ઘઉં, જીરૂ, ઇસબગુલ અને ચણા જેવા પાક હાલમાં મહત્વના તબક્કે હોવાથી કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતા વધારનાર બની શકે છે.
માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના
વીજળીના કડાકા અને પવનની શક્યતા હોવાના કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપી છે. દરિયાઈ વિસ્તારોમાં હવામાન અસ્થિર રહેવાની શક્યતા હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ચેતવણી આપવામાં આવી છે.
બે દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધશે
IMDના અનુમાન અનુસાર, આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધશે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. આજે અમદાવાદમાં લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી, ભુજમાં 15.4 ડિગ્રી જ્યારે નલિયામાં 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઠંડી વધતા જનજીવન પર પણ તેની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગે ખેડૂતોને સલાહ આપી છે કે તેઓ પાકને શક્ય તેટલું સુરક્ષિત રાખે અને હવામાનની અપડેટ માહિતી પર નજર રાખે. રાજ્યમાં બદલાતા હવામાનને લઈને આવનારા દિવસોમાં પણ સતર્કતા રાખવી જરૂરી બની છે.