BREAKING NEWS

સની દેઓલની ફિલ્મ 'સૂર્યા' પર રાજસ્થાન હાઈકોર્ટની કાર્યવાહી, 3 દિવસમાં જવાબ આપવા નોટિસ

  • November 17, 2026 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




બોલિવૂડ અભિનેતા સની દેઓલની આગામી ફિલ્મ 'સૂર્યા: અંત સે આરંભ તક'ની મુશ્કેલીઓ વધી રહી છે. ફિલ્મની રિલીઝ પહેલાં જ તે વિવાદોમાં ફસાઈ ગઈ છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર રાજસ્થાન હાઈકોર્ટે ફિલ્મને લઈને નોટિસ જાહેર કરી છે. કોર્ટે કેન્દ્ર સરકાર, સેન્સર બોર્ડ અને ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને ત્રણ દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.



રાજસ્થાન હાઈકોર્ટની જયપુર બેન્ચે આ મામલે સુનાવણી કરતાં કેન્દ્ર સરકાર, સેન્સર બોર્ડ અને ફિલ્મ સાથે જોડાયેલા લોકોને નોટિસ પાઠવી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની રાજસ્થાન શાખા દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મમાં મેડિકલ એસોસિએશન અને ડોક્ટરોની છબીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ મામલે જસ્ટિસ સમીર જૈનની સિંગલ બેન્ચે સુનાવણી કરી હતી.



સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારનું કહેવું હતું કે ફિલ્મ જોયા વિના જ તેના પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. સેન્સર બોર્ડની નિષ્ણાતોની સ્ક્રીનિંગ કમિટીના રિપોર્ટના આધારે જ ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં આવશે.



હાઈકોર્ટે આ મામલે આગામી સુનાવણી માટે 20 નવેમ્બરની તારીખ નક્કી કરી છે.
સની દેઓલની આ ફિલ્મ 20 નવેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ હવે કાનૂની વિવાદને કારણે ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવે તેવી ચર્ચા શરૂ થઈ છે.અહેવાલ મુજબ, ફિલ્મની રિલીઝ હવે 15 જાન્યુઆરી, 2027 સુધી પાછળ ઠેલાઈ શકે છે. જોકે, ફિલ્મના નિર્માતાઓ તરફથી હજુ સુધી રિલીઝની નવી તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.



'સૂર્યા: અંત સે આરંભ તક' વર્ષ 2018માં આવેલી મલયાલમ ફિલ્મ 'જોસેફ'ની હિન્દી રિમેક છે. મૂળ ફિલ્મનું દિગ્દર્શન એમ. પદ્મકુમારે કર્યું હતું. હિન્દી રિમેકનું દિગ્દર્શન પણ તેમણે જ કર્યું છે.
ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત રવિ કિશન, પ્રજ્ઞા જયસ્વાલ, મનીષ વાધવા અને ટિનુ આનંદ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.


સની દેઓલ પાસે હાલમાં અનેક મોટા પ્રોજેક્ટ્સ છે. તેઓ ફિલ્મ 'રામાયણ પાર્ટ 2'માં હનુમાનજીની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત તેમની આગામી ફિલ્મોમાં 'ગબરુ'નો પણ સમાવેશ થાય છે.
હવે સૌની નજર 20 નવેમ્બરે થનારી હાઈકોર્ટની આગામી સુનાવણી પર છે. તેના નિર્ણય બાદ જ ફિલ્મની રિલીઝ અંગે સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ શકશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application