રાજકોટ લોકમેળો: ડ્રો માટેની ૪૦૪ જ્યારે હરરાજી માટેની ૧૩૦ અરજીઓ આવી
રાજકોટ લોકમેળો: ડ્રો માટેની ૪૦૪ જ્યારે હરરાજી માટેની ૧૩૦ અરજીઓ આવી
August 01, 2026 03:03 PM
જન્માષ્ટમી લોકમેળામાં વિવિધ સ્ટોલ/પ્લોટ માટે અરજી કરવાની અંતિમ તારીખ ગત ૩૧ જુલાઈ હતી. જેમાં કુલ ૫૩૪ અરજીઓ આવી છે. તેમાં ડ્રો કેટેગરી માટે કુલ ૪૦૪ અરજી આવી છે. જ્યારે હરરાજી વિભાગમાં કુલ ૧૩૦ જેટલી અરજીઓ આવી છે. તેમજ કુલ ૬૬૭ જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે ત્યારે તંત્રને કુલ રૂપિયા ૧,૩૩,૪૦૦ની આવક થઈ છે. રાજકોટ લોકમેળા માટે સ્ટોલ ફાળવણી પ્રક્રિયાને વેપારીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ૩૧ જુલાઈ સુધીમાં વિવિધ કેટેગરીના કુલ ૫૩૪ અરજી ફોર્મ ભરાયા હોવાનું લોકમેળા અમલીકરણ સમિતિના અહેવાલમાં જણાવાયું છે. વિવિધ કેટેગરીમાં પ્રાપ્ત થયેલા ફોર્મમાં ડ્રો માટેના કુલ ૧૩૫ પ્લોટ માટે કુલ ૪૦૪ અરજીઓ આવી છે. જ્યારે હરરાજી માટેના વિવિધ કેટેગરીના ૭૬ પ્લોટ માટે કુલ ૧૩૦ અરજીઓ આવી છે. જ્યારે લોકમેળામાં વેપારીઓએ નાની અને મધ્યમ ચકરડીના ૨૭ પ્લોટ સામે અધધ ૨૯૦ અરજીઓ કરી સૌથી વધુ રસ દાખવ્યો છે. તેની સામે એક્સ્પો અને રમકડા માટે વેપારીઓએ થોડો ઓછો રસ દાખવ્યો છે. ત્યારે તે વિભાગની અમુક ટકા જગ્યા ચકરડી માટે ફાળવવા તંત્ર વિચાર કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે આગામી દિવસોમાં જમા થયેલા તમામ ફોર્મની ચકાસણી સહિતની મહત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમજ તે બાદ હરરાજી અને ડ્રો સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે.