BREAKING NEWS

રાજકોટ ITએ ડિફોલ્ટર હરિકૃષ્ણ સુરેજાનો વૈભવી ફ્લેટ જપ્ત કરતા ફફડાટ, આઠ વર્ષ જુના કેસની ફાઈલ ખોલી

  • October 10, 2025 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના નવનિયુક્ત ચીફ કમિશનર સતીષ ગોયલે ચાર્જ સંભાળિયાના બે મહિના બાદ ટેક્સ રિકવરી ડિપાર્ટમેન્ટ એક્શન મોડમાં આવી ગયો છે. વર્ષ 2018માં 100 કરોડની ડિમાન્ડ નોટિસ પાઠવ્યા બાદ વારંવાર ટેક્સ ચૂકવવામાં નિષ્ફળ જનાર હરિકૃષ્ણ સૂરેજા નામના ડિફોલ્ટરનો શહેરના પો‌ષ વિસ્તારમાં 150 ફૂટ રીંગ રોડ પર, બાલાજી હોલ પાસે આવેલા કદમ એપાર્ટમેન્ટમાં આવેલો વૈભવી ફ્લેટ જપ્ત કરીને મોટી કાર્યવાહી કરી છે.


આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે હરિકૃષ્ણ સુરેજા કમિશન એજન્ટ તરીકેનું કામ કરતા હોવાનું તથા વર્ષ 2018ના કેસ અંતર્ગત કરોડોનો ટેક્સ નહીં ભરવાના કારણે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ઝપેટમાં આવી ગયા હતા. આઠ વર્ષ પહેલાં તેમના બેન્ક એકાઉન્ટ માંથી કરોડોની રોકડ ઇન્કમટેક્સ વિભાગને મળી આવી હતી. આ રોકડના એસેસમેન્ટ કરતા આંકડો રૂપિયા 100 કરોડથી વધુને આંબી ગયો હતો. જેથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ટેક્સ રિકવરી ડિપાર્ટમેન્ટ એ નોટિસ પાઠવી હતી. વારંવાર ડિમાન્ડ નોટિસ પાઠવવા છતાં તેવો ટેક્સ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.


કાર્યવાહી હાથ ધરતા તેમની મિલકતો ટાંચમાં લીધી

ચીફ કમિશનર સતીશ ગોયલે ગત 4 ઓગસ્ટે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે બાકી વેરો વસૂલવા માટે ટેક્સ રિકવરી ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ડિફોલ્ટરો સામે કડક કાર્યવાહી માટે અધિકારીઓને સૂચના આપી હતી. તેમના માર્ગદર્શનમાં ટેક્સ રિકવરી ડિપાર્ટમેન્ટના ચીફ ઓફિસરના નેતૃત્વમાં કમિશન એજન્ટ અને ડિફોલ્ટર જાહેર થયેલા રાજકોટના પટેલ રહીશ સામે કડક કાર્યવાહી હાથ ધરતા તેમની મિલકતો ટાંચમાં લીધી છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની આ કાર્યવાહીની વિગતો આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરતા ઇન્કમટેક્સના અન્ય ડિફોલ્ટરોમાં ફફડાટ ફેલાયો છે.


ન છૂટકે તેની સંપત્તિ જપ્ત કરવાની ફરજ પડી

આ અગાઉ પણ રાજકોટમાં વેરો ચુકવવામાં નિષ્ફળ ગયેલા લોકોને આવકવેરા વિભાગે ડીફોલ્ટર જાહેર કર્યા બાદ સોના-ચાંદી સહિતની જ્વેલરી જપ્ત કરી અને તેની હરાજીની કાર્યવાહી હાથ ધરીને ટેક્સની વસુલાત કરીને મોટો દાખલો બેસાડ્યો હતો. વધુ એક વખત ચીફ કમિશનરના માર્ગદર્શન હેઠળ મોટા માથા સમાન ડિફોલ્ટર રૂપિયા100 કરોડનો ટેક્સ વારંવારની ડિમાન્ડ નોટિસ પાઠવવા છતાં ચૂકવવામાં નિષ્ફળ સાબિત થતા આખરે આવકવેરા વિભાગને ન છૂટકે તેની સંપત્તિ જપ્ત કરવાની ફરજ પડી છે.


અપીલમાં જઈને તાત્કાલિક 20 ટકા ટેક્સ ચૂકવે તો જ કાર્યવાહી અટકે: ટેક્સ તજજ્ઞ

ઇન્કમટેક્સના કાયદાના તજજ્ઞના જણાવ્યા પ્રમાણે ડિફોલ્ટર અપીલ કેસ દાખલ કરીને  ટેક્સની બાકી નીકળતી રકમના 20 ટકા તાત્કાલિક ભરી આપે તો તેની સામે હાથ ધરવામાં આવતી કાર્યવાહી પણ તાત્કાલિક અટકી શકે છે. અલબત્ત જેની પણ તરફેણમાં ચુકાદો આવે તે મુજબ આગળની કાર્યવાહી થતી હોય છે. જો અપીલમાં ગયા બાદ ડિફોલ્ટર ટેક્સ નિર્ધારિત સમયમાં ભરવામાં સફળ થાય તો તેને ડિફોલ્ટરમાંથી બાકાત રહેવાનો મોકો મળી શકે છે. પરંતુ જો ભરવામાં નિષ્ફળ જાય તો ડિપાર્ટમેન્ટની તરફેણમાં ચુકાદો આવે તો હજુ પણ આગળ ફોજદારી હેઠળ ગુનો દાખલ કરીને અને વધુ કડક કાર્યવાહી થઈ શકે છે. હવે તે જોવું રહ્યું કે શું ડિફોલ્ટર હરિકૃષ્ણ સુરેજા અપીલમાં જાય છે કે કેમ?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News