આજકાલ દૈનિકના ૨૭મા વર્ષમાં મંગલ પ્રવેશના પ્રસંગે રાજકોટના યુવા મેયર ડો.નેહલભાઇ શુક્લ આજરોજ આજકાલ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને સમગ્ર આજકાલ પરિવારને ઉત્તરોતર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી. યુવા મેયર ડો.નેહલભાઇ શુક્લએ મેનેજિંગ ડિરેક્ટર કમ એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઇ બાંટવા સાથે મુક્તમને નિખાલસ વાતચીત કરી હતી તેમજ જેઠાણી પરિવાર અને શુક્લ પરિવાર વચ્ચેના વર્ષો જૂના સંબંધોના સુખદ સંસ્મરણો વાગોળ્યા હતા. આ તકે મેયરે જણાવ્યું હતું કે, મારા અઢી વર્ષ રાજકોટની જનતાની સુખાખારી માટે સમર્પિત છે, રાજકોટવાસીઓને વર્ષો સુધી યાદ રહે તેવા પ્રજાલક્ષી નિર્ણયો કરવાનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલી ઇંધણ બચાવવા તેમજ આર્થિક બાબતોમાં કરકસર કરવા સહિતની બાબતોની તેઓ રાજકોટ મહાપાલિકામાં સખ્તાઇથી અમલવારી કરાવશે તેમ જણાવી ઉમેર્યું હતું કે, મને મળવા આવનાર દરેક નાગરિકને પૂછીશ કે તમે શહેરને કે મહાપાલિકાને કઇ રીતે ઉપયોગી થશો ? પ્રશ્નો ઉકેલવાની સાથે વર્ષો જૂની પરંપરાઓ અને રૂઢિઓ બદલવામાં આવશે તેમ જણાવી ઉમેર્યું હતું કે કોઇ પણ બદલાવ લાવવો હોય તો યહીં સમય હૈ, સહી સમય હૈ..! હાલમાં શહેરમાં ભેળસેળ સામે ઝુંબેશ શરૂ કરાઇ છે તેવી જ રીતે આગામી દિવસોમાં રાજકોટવાસીઓએ ભૂતકાળમાં ક્યારેય જોઇ ન હોય તેવી અનેક ઝુંબેશ શરૂ કરાશે.

તેમણે કહ્યું હતું કે હું કોઈ પણ કામ કરું છું તેમાં ક્વોલિટી ટાઇમ આપવામાં માનું છું, જો હું મેયર છું તો મેયર પદેથી રાજકોટની જનતાને ક્વોલિટી ટાઇમ આપીશ અને તેમના પ્રશ્નો ઉકેલીશ. મહાપાલિકા દ્વારા અપાતી દરેક સુવિધાઓ યથાયોગ્ય સ્વરૂપે નાગરિકો સુધી પહોંચે તે માટે હું કટિબધ્ધ છું, મારા સુધી આવતા દરેક પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલવા માટે મારા તમામ પ્રયાસો રહેશે. મહાપાલિકા તંત્ર દ્વારા કે ચૂંટાયેલી પાંખ દ્વારા કરાતા કોઈ પણ કામમાં ક્યાંય પણ ભૂલ, ક્ષતિ કે ત્રુટિ જણાય તો અચૂક મારું ધ્યાન દોરવા સર્વે રાજકોટવાસીઓને મારી અપીલ છે.
પાણીની ફરિયાદો ઉકેલવા સ્ક્વોડ રચાશે, પાણીચોરી કરનારાની ખેર નથી: મેયર
રાજકોટ શહેરમાં પાણી વિતરણને લગતી ફરિયાદો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે તેમજ જરૂર પડ્યે આ માટે ખાસ સ્ક્વોડ બનાવવામાં આવશે. ભૂતિયા નળ જોડાણથી કે અન્ય કોઈ પણ પ્રકારે પાણીચોરી કરનારાઓની ખેર નથી. ભેળસેળ પકડવા શરૂ કરાયેલી ઝુંબેશની જેમ પાણીચોરી પકડવા પણ ઝુંબેશ ચલાવાશે તેમ મેયર ડો.નેહલ શુક્લએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.