રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક શરૂ થતાં જ મેયરે અધિકારીઓને કામગીરી અંગે સ્પષ્ટ તાકીદ કરી હતી. પ્રજાલક્ષી પ્રશ્નો અને કોર્પોરેટરો દ્વારા રજૂ થતા કામોમાં અધિકારીઓએ આપેલા કમિટમેન્ટનું સમયસર પાલન કરવું પડશે અને તેની કામગીરીનો રિપોર્ટ જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરવો પડશે તેમ મેયરે જણાવ્યું હતું.
જનરલ બોર્ડમાં વિવિધ પ્રશ્નો અને રજૂઆતોની ચર્ચા દરમિયાન મેયરે અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે, કોઈ કામ અંગે અધિકારી દ્વારા સમયમર્યાદા કે કામગીરી પૂર્ણ કરવાનું કમિટમેન્ટ આપવામાં આવે તો માત્ર ખાતરી આપીને વાત પૂરી નહીં થાય. જે કામગીરી કરવાની ખાતરી આપવામાં આવી હોય તે ખરેખર થઈ છે કે નહીં તેની વિગતો આગામી જનરલ બોર્ડમાં રજૂ કરવાની રહેશે.
મેયરે અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “કમિટમેન્ટ આપેલા કાર્યોનો રિપોર્ટ જનરલ બોર્ડમાં આપવો અનિવાર્ય રહેશે.” આ મામલે અધિકારીઓની ઢીલી નીતિ ચલાવી લેવામાં નહીં આવે તેવો પણ સંકેત આપવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના વિસ્તારની સમસ્યાઓ તથા નાગરિકોના પ્રશ્નો જનરલ બોર્ડમાં રજૂ કરતા હોય છે. આવા પ્રશ્નોના જવાબમાં સંબંધિત વિભાગના અધિકારીઓ કામગીરી કરવાની ખાતરી કે સમયમર્યાદા આપતા હોય છે. હવે આવી ખાતરીઓ માત્ર બોર્ડની કાર્યવાહી પૂરતી મર્યાદિત ન રહે અને તેનું વાસ્તવિક અમલીકરણ થાય તે માટે મેયરે જવાબદારી નક્કી કરવાની દિશામાં કડક વલણ અપનાવ્યું છે.
મેયરની આ તાકીદ બાદ હવે જનરલ બોર્ડમાં અધિકારીઓ દ્વારા આપવામાં આવતા કમિટમેન્ટની કામગીરી કેટલી થઈ અને કયા કામો બાકી રહ્યા તેનો હિસાબ પણ આગામી બેઠકોમાં માંગવામાં આવશે. પરિણામે અધિકારીઓએ જનરલ બોર્ડમાં આપેલી ખાતરી મુજબ કામગીરી પૂર્ણ કરીને તેનો રિપોર્ટ રજૂ કરવો પડશે.