રૂડા ઓફિસ બિલ્ડિંગમાં કાર્યરત રાજકોટ નગર રચના યોજના એકમમાં પ્રવર નગર નિયોજક વર્ગ-૧ની પોસ્ટ ઉપર ફરજ બજાવતા અધિકારી કે.આર.સુમરાને રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ટીપીઓ તરીકે પણ નિયુક્ત કરાયા હતા, દરમિયાન ગત મોડી સાંજે થયેલા બદલીના હુકમ અનુસાર સુમરાની રાજકોટથી સુરત નગર રચના યોજના એકમ-૧ તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે સુમરાની મુળ જગ્યાએ જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળમાં ફરજ બજાવતા રામસિંગ દલાભાઇ પરમારની નિયુક્તિ કરવામાં આવી છે, અલબત્ત તેમને રાજકોટ મનપાના ટીપીઓનો ચાર્જ સોંપાશે કે કેમ ? તે અંગે હજુ અનિશ્ચિતતા વચ્ચે નવા આગામી હુકમની રાહ જોવાઇ રહી છે.
શહેરી વિકાસ વિભાગ દ્વારા કરાયેલા બદલીના હુકમ અનુસાર રાજ્ય સ્તરે કુલ ૧૨ અધિકારીઓની બદલી કરાઇ છે જે પૈકી સાત અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. (૧) કે.આર.સુમરા કે જેઓ પ્રવર નગર નિયોજક વર્ગ-૧ રાજકોટ નગર રચના યોજના, રાજકોટ તરીકે તેમજ રાજકોટ મનપાના ઇન્ચાર્જ ટીપીઓ તરીકે ફરજ બજાવતા હતા તેમને સુરત નગર રચના યોજના એકમ-૧ સુરત તરીકે મુકાયા છે. તેઓ મૂળ દક્ષિણ ગુજરાતના વતની હોય લાંબા સમય બાદ તેમને નેટિવ પોસ્ટિંગ મળ્યાની ચર્ચા છે. (૨) દિનકર એમ.પટેલ કે જેઓ પ્રવર નગર નિયોજક વર્ગ-૧ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ તરીકે ફરજ બજાવતા હતા તેઓને સુરત નગર રચના યોજના એકમ-૨માં મુકાયા છે. (૩) વિવેક કે.પારેખ કે જેઓ પ્રવર નગર નિયોજક વર્ગ-૧ અમદાવાદ નગર રચના યોજના એકમ-૩ અમદાવાદ તરીકે કાર્યરત હતા તેમને વડી કચેરી ગાંધીનગર (લીગલ) તરીકે નિયુક્ત કરાયા છે. (૪) સુરત પ્રવર નગર નિયોજક વર્ગ-૧ તરીકે એકમ-૧માં ફરજ બજાવતા કૌશિકકુમાર ડી.પટેલને નવસારી શહેરી વિકાસ સત્તા મંડળમાં મુકાયા છે. (૫) ગાંધીનગર વડી કચેરીમાં પ્રવર નગર નિયોજક વર્ગ-૧ તરીકે ફરજ બજાવતા પરીન ડી.ગાંધી ને જૂનાગઢ મહાનગરપાલિકામાં નિયુક્ત કરાયા છે.
જ્યારે છ અધિકારીઓની પ્રવર નગર નિયોજક વર્ગ-૧ તરીકે બઢતી સાથે બદલીનો હુકમ કર્યો છે જેમાં (૧) નિકુંજ ભરતભાઇ શાહ જેઓ શહેરી વિકાસ વિભાગ સચિવાલયમાં ફરજ બજાવતા હતા તેમને વડી કચેરી ગાંધીનગર (અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ ઝોન) ખાતે અધિક મુખ્ય નગર નિયોજકની જગ્યાને ડાઉન ગ્રેડ કરીને નિયુક્ત કરાયા છે. (૨) મુકુંદરાય બી. કોઠીયા જામનગર શહેરી વિકાસ સત્તા મંડળમાં ફરજ બજાવતા હતા તેમને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળમાં મુકાયા છે.(૩) દર્શિત મણિલાલ પટેલ કે જેઓ વડોદરા નગર રચના યોજનામાં ફરજ બજાવતા હતા તેમને વડોદરા ખાતે જ પ્રમોશન ઉપરાંત અમદાવાદ નગર રચના યોજના એકમ-૧નો વધારાનો ચાર્જ સોંપાયો છે. (૪) પ્રતીક હર્ષદકુમાર ગિલેટવાળા જેઓ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, અમદાવાદ ઝોન, અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા તેમને ગાંધીનગર નગર રચના યોજના ગાંધીનગર ખાતે નિયુક્ત કરાયા છે. (૫) હિમાંશુ દામજીભાઇ પરમારને અમદાવાદ નગર રચના યોજના-૩ અમદાવાદ ખાતે તેમની મૂળ જગ્યાએ જ યથાવત રાખીને પ્રમોશન અપાયું છે. (૬) રામસિંગ દલાભાઇ પરમાર કે જેઓ જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ ખાતે ફરજ બજાવતા હતા તેમને રાજકોટ નગર રચના યોજના રાજકોટ ખાતે પ્રવર નગર નિયોજક-૧ તરીકે પ્રમોશન સાથે નિયુક્તિ અપાઇ છે. તેમજ (૭) દિનેશભાઇ ગોવિંદભાઈ રાઠોડ કે જેઓ વડોદરા શાખા કચેરીમાં ફરજ બજાવતા હતા તેમને ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ ગાંધીનગર ખાતે નિયુક્ત કરાયા છે, તદઉપરાંત ધોલેરા સ્પેશ્યલ રિજ્નલ ડેવલપમેન્ટ ઓથોરિટીનો એડિશનલ ચાર્જ સોંપવામાં આવ્યો છે.
દિવાળીના તહેવારો સમયે એક સાથે એક ડઝન અધિકારીની બઢતી બદલીથી ટાઉન પ્લાનિંગ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી, જ્યારે અરજદારોમાં પણ કહીં ખુશી, કહીં ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો.
આર.ડી.પરમાર શનિવારે ચાર્જ સંભાળશે
કે.આર.સુમરાના સ્થાને નિયુક્ત આર.ડી. પરમાર સંભવત: તા.૧૮ ઓક્ટોબરને શનિવારે ચાર્જ સંભાળશે તેમ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આર.ડી.પરમાર દાહોદના વતની છે અને અગાઉ સુરત તેમજ જુનાગઢ ખાતે ફરજ બજાવી ચૂક્યા છે અને હવે રાજકોટ મુકાયા છે. મ્યુનિ. ટીપીઓનો ચાર્જ પણ તેમને સોંપાય તેવી પ્રબળ શક્યતા હોવાની ચર્ચા છે.
કોઠિયા આવ્યા બાદ પટેલ ચાર્જ છોડશે
રૂડાના ટીપીઓ તરીકે એસ.એમ.પંડ્યાના સ્થાને ફેબ્રુઆરી ૨૦૨૫માં નિયુક્તિ પામેલા દિનકર એમ.પટેલની સુરત ખાતે બદલી કરાઇ છે. દરમિયાન તેમણે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના સ્થાને જામનગરથી નિયુક્ત થયેલા મુકુંદરાય બી. કોઠીયા રાજકોટ ચાર્જ સંભાળે ત્યારબાદ તેઓ સુરત જવા રવાના થશે.