BREAKING NEWS

રાજકોટમાં ધૂમ લગ્નગાળો: 33 મ્યુનિ.કોમ્યુનિટી હોલ ડિસેમ્બરથી એપ્રિલ એન્ડ સુધી હાઉસફુલ

  • November 17, 2026 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના ૩૩ કોમ્યુનિટી હોલ ડિસેમ્બરથી એપ્રિલ સુધી હાઉસફૂલ થઈ ગયા છે અને તેમાં ૯૦ ટકા બુકિંગ સગાઈ, લગ્ન અને રિસેપ્શન સમારોહ સહિતના પ્રસંગો માટેના છે તેમ મ્યુનિ. સૂત્રોએ જણાવ્યું હતું.

રાજકોટ શહેરમાં ડિસેમ્બર મહિનાના અંતથી શરૂ થઈ એપ્રિલ મહિનાના અંત સુધી લગ્નસરાની ધૂમ મચવાની છે. લગ્નપ્રસંગો માટે અત્યારથી જ વાડી, પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલ મેળવવાની દોડધામ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને રાજકોટ મહાપાલિકા સંચાલિત ૩૩ કોમ્યુનિટી હોલનાં બુકિંગ હાઉસફુલ થઈ જતાં લગ્નપ્રસંગો માટે હોલ મેળવવા ઇચ્છુક પરિવારોમાં ભારે પડાપડી જોવા મળી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કુલ ૩૩ કોમ્યુનિટી હોલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આગામી ડિસેમ્બર એન્ડથી એપ્રિલ એન્ડ સુધી લગ્નોની ભરપૂર મોસમ રહેવાની હોવાથી આ હોલની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. લગ્નપ્રસંગો માટે મનપાના હોલનું બુકિંગ કરાવવા અરજદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર નાણાવટી ચોક સંતોષ પાર્ક વિસ્તારમાં આવેલા નવા એરકન્ડિશન્ડ કોમ્યુનિટી હોલ, ૧૫૦ રિંગ રોડ ઉપર નાગરિક બેંક નજીક આવેલા અભય ભારદ્વાજ એસી કોમ્યુનિટી હોલ અને ભક્તિનગર સર્કલથી આગળ જુના પારડી રોડ ઉપર આવેલા રણછોડદાસબાપુ કોમ્યુનિટી હોલની સૌથી વધુ માંગ હોવાનું મ્યુનિ. સૂત્રોમાંથી જાણવા મળે છે. આ હોલમાં લગ્નપ્રસંગો યોજવા માટે અરજદારોની વિશેષ પસંદગી જોવા મળી રહી છે.

મહાનગરપાલિકા દ્વારા કોમ્યુનિટી હોલના બુકિંગની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી હોવા છતાં હોલની ઉપલબ્ધતા, બુકિંગની તારીખો અને અન્ય વિગતો જાણવા માટે અરજદારોનો ધસારો જોવા મળી રહ્યો છે. ઓનલાઈન વ્યવસ્થા હોવા છતાં પૂછપરછ માટે લોકો મનપાનો સંપર્ક કરી રહ્યા છે.

આગામી ચાર મહિનાના લગ્નગાળાને ધ્યાનમાં રાખતાં મનપાના કોમ્યુનિટી હોલની માંગ ચરમસીમાએ પહોંચી છે. ખાસ કરીને પસંદગીના હોલમાં મનપસંદ તારીખ મેળવવી મુશ્કેલ બની રહી છે. પરિણામે લગ્નપ્રસંગોનું આયોજન કરતા પરિવારોને હોલની ઉપલબ્ધતા મુજબ આયોજન કરવાની નોબત આવી છે.


ઓનલાઈન સુવિધાનો લાભ લ્યો: એસ્ટેટ ઓફિસર

રાજકોટ મહાનગરપાલિકાના એસ્ટેટ ઓફિસર મેહુલ ગાંધીએ અરજદારોને કોમ્યુનિટી હોલના ઓનલાઈન બુકિંગની સુવિધાનો લાભ લેવા અપીલ કરી છે. આમ છતાં જેમને ઑનલાઇન બુકિંગ આવડતું ન હોય તેઓ કચેરીએ રૂબરૂ આવશે તો તેમને માર્ગદર્શિત કરાશે તેમ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application