બાંગ્લાદેશીઓને ઝડપી લેવા રાજકોટ પોલીસનું સર્ચ ઓપરેશન

  • April 26, 2025 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં અમદાવાદ અને સુરતમાંથી અંદાજે 1000 જેટલા બાંગ્લાદેશી ઝડપાયા છે. ત્યારે રાજકોટ પોલીસે પણ ગઈકાલ રાતથી જ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. શહેરના સોનીબજાર, રામનાથપરા, ભગવતીપરા, જંગલેશ્વર સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. અહીં રહેતા પરપ્રાંતિય લોકોના આધાર પુરાવા પોલીસ ચકાસી રહી છે. જો કોઈ ગેરકાયદે રીતે રહેતું હોવાનું સામે આવશે તો તેની હાંકી કઢાશે. હાલ કોઇ બાંગ્લાદેશી મળી આવ્યા નથી. પરંતુ રાજકોટમાંથી પણ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ઝડપાઈ તેવી શક્યતા સેવાઈ રહી છે.


કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવા માટે આદેશ થયો હતો ત્યારે હવે દેશમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર પણ તવાઈ ઉતારવામાં આવી છે. રાજયના ગૃહ મંત્રી અને રાજ્ય પોલીસ વડા દ્વારા રાજ્યભરની પોલીસને આ પ્રકારની કામગીરી કરવા માટે સૂચના આપી દેવામાં આવી હોય જેના ભાગરૂપે ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં પોલીસે રાત્રે મોટું ઓપરેશન પાર પાડી 1,000 થી વધુ બાંગ્લાદેશીઓને શોધી કાઢ્યા હતા.


રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડીયાની સૂચના હેઠળ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી.બી.બસીયાની રાહબરી હેઠળ ક્રાઈમ બ્રાન્ચ, એસોજી, આર્થિક ગુના નિવારણ સેલ સહિતની ટીમો દ્વારા ગઈકાલ રાત્રેથી જ શહેરમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જે આજે પણ યથાવત રહ્યું હતું.


પોલીસ દ્વારા શહેરના સોનીબજાર વિસ્તાર અને રામનાથપરા વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં બંગાળી કારીગરો રહેતા હોય જેમાં બંગાળી કારીગરના સ્વાંગમાં કોઈ બાંગ્લાદેશી ગેરકાયદે રીતે રહે છે કે કેમ? તે અંગેની પોલીસ સઘન તપાસ ચલાવી રહી છે. પોલીસ દ્વારા અહીં રહેતા લોકોના રહેઠાંણના પુરાવા ચકાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત શહેરના જંગલેશ્વર વિસ્તાર, ભગવતીપરા સહિતના વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની આ તપાસ દરમિયાન હજુ સુધી રાજકોટમાં કોઈ ગેરકાયદે બાંગ્લાદેશી રહેતું હોવાનું સામે આવ્યું નથી પરંતુ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે અને સાંજ સુધીમાં રાજકોટમાંથી પણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.


રાજકોટની ભાગોળે રંગપર ગામેથી ત્રણ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા

ત્રણ મહિના પૂર્વે રાજકોટ ગ્રામ્ય એસોજીની ટીમ રાજકોટની ભાગોળે પડધરી તાલુકાના રંગપર ગામના પાટીયા પાસે મારૂતિ સોસાયટીમાં સોહીલ હુસેન યાકુબઅલી, રિપોન હુસેન અમીરૂલ ઇસ્લામ અને રીના ખુરશીદ આલમ બીશ્વાસ સહિત ત્રણ બાંગ્લાદેશીઓને ઝડપી લીધા હતા. ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ ખાસ કરીને મેટોડા જીઆઇડીસી, શાપર વેરાવળ સહિતના ઔદ્યોગિક વસાહતોમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ રહે છે કે કેમ? તે અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.

સોની બજારમાંથી અલ કાયદાના ત્રણ આતંકીઓને એટીએસએ ઝડપી લીધા’તા

રાજકોટમાં પોણા બે વર્ષ પૂર્વે સોનીબજાર વિસ્તારમાંથી આતંકવાદી સંગઠન અલ કાયદાની વિચારથી પ્રભાવિત ત્રણ આતંકવાદી અબ્દુલ શુકર અલી હઝરત શેખ, અમન અલી સિરાજ મલિક અને સેફ નવાઝ અબુ શાહિદ ઝડપાયા હતા. ત્રણેય આરોપીઓ ખોફનાક મનસુબાને અંજામ આપવાના ઈરાદા સાથે અહીં આવ્યા હતા અને અહીં કારીગરના સ્ગાંગમાં છુપાઈને રહેતા હતા.

આઇએસ સાથે જોડયેલા રામોદીયા બંધુ ઝડપાતા રાજકોટમાં ખળભળાટ મચ્યો’તો

વર્ષ 2017માં રાજકોટમાં રૈયા રોડ પર આવેલા નેહરુનગરમાંથી એટીએસની ટીમે ૩૦ વર્ષના વસીમ રામોદીયા અને આજ સમયે ભાવનગરમાંથી 27 વર્ષના તેના ભાઈ નઇમને ઝડપી લેવાયો હતો. આ રામોદિયા બંધુ ક્રૂર આતંકી સંગઠન આઈએસઆઈએસની વિચારધારાથી પ્રભાવિત હતા અને તે સૌરાષ્ટ્રમાં ખોફનાક ઇરાદાને અંજામ આપે તે પૂર્વે છે ઝડપાઈ ગયા હતા. બંનેની પૂછતાછમાં લોન વુલ્ફ એટેકનો મનસુખ હોવાનું પણ સામે આવ્યું હતું. આ ઘટનાએ ભારે ખળભટાળ મચાવી દીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application