રાજકોટ રેલવે સ્ટેશન પરથી 12 વર્ષનો કિશોર ગુમ થવાની ઘટનામાં રેલવે પોલીસની ગંભીર બેદરકારી સામે આવી હતી. બાળક ગુમ થતા તેના મામા ફરિયાદ નોંધાવવા માટે રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે, તે સમયે ફરજ પર પીએસઓ તરીકે હાજર મહિલા ASI કામિનીબેન મારણકા ગોદડું ઓઢીને સૂતા હતા અને ફરિયાદ નોંધવાને બદલે '24 કલાક રાહ જુઓ, પછી ફરિયાદ કરવા આવજો' તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી. જોકે, પોલીસે બાદમાં ગુમ થયેલા બાળકને શોધી કાઢ્યો છે, પરંતુ ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ પશ્ચિમ રેલવેના SP યશપાલ જગાણીયા દ્વારા મહિલા ASI કામિનીબેન મારણકાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સીસીટીવીમાં અજાણ્યા શખ્સ સાથે દેખાયો હતો કિશોર
મળતી વિગતો અનુસાર, 21 નવેમ્બરની વહેલી સવારે રાજકોટ રેલવે સ્ટેશન પરથી 12 વર્ષનો કિશોર એક અજાણ્યા શખ્સ સાથે જતો જોવા મળ્યા બાદ ગુમ થયો હતો. ગુમ થયેલા કિશોરના મામા મુરલી ભાવનાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ રેલવે સ્ટેશન નજીક રહેતો તેમનો 12 વર્ષનો ભાણેજ 21 નવેમ્બરના રોજ વહેલી સવારે આશરે 4:10 વાગ્યે ઘરેથી નીકળ્યો હતો અને 4:18 વાગ્યે પ્લેટફોર્મ નંબર-1માં પ્રવેશ કરતો જોવા મળ્યો હતો. સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તપાસતા સવારે 4:42 વાગ્યા સુધી કિશોર પ્લેટફોર્મ પર દેખાય છે, જેમાં તેની સાથે લાલ રંગની ટોપી અને કેસરી મફલર પહેરેલો એક અજાણ્યો શખ્સ પણ નજરે પડ્યો હતો.
દ્વારકા જતો હોવાનો ફોન આવ્યા બાદ પરિવાર સ્ટેશને દોડ્યો
આ ઘટના દરમિયાન કિશોરે કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન કરીને પોતે દ્વારકા જઈ રહ્યો હોવાનું પરિવારને જણાવ્યું હતું. જે નંબર પરથી ફોન આવ્યો હતો તે વ્યક્તિ સાથે આશરે 30થી 35 વર્ષનો અન્ય એક શખ્સ પણ હોવાની આશંકા પરિવારે વ્યક્ત કરી હતી. બાળકની જાણ થતા જ પરિવારજનો માત્ર 2થી 3 મિનિટમાં જ રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન સ્ટેશન પરથી ઉપડી ગઈ હતી.
ફરિયાદ લેવાને બદલે મહિલા PSOએ 24 કલાક પછી આવવાનું કહ્યું
ટ્રેન નીકળી ગયા બાદ ગભરાયેલા પરિવારજનોએ પ્રથમ ચાઈલ્ડ હેલ્પલાઈન અને RPF ઓફિસમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ સત્તાવાર અરજી અને ફરિયાદ આપવા માટે રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરિવારે આક્ષેપ કર્યો હતો કે, નાઈટ PSO તરીકે ફરજ બજાવતા કામિનીબેને ગોદડું ઓઢીને સૂતા-સૂતા જ 24 કલાક પછી આવવાનું કહીને તેમને ટાળી દીધા હતા. જેના કારણે પરિવારમાં ભારે રોષ ફેલાયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને SP યશપાલ જગાણીયાએ કડક પગલાં ભરીને મહિલા ASIને સસ્પેન્ડ કરી દાખલો બેસાડ્યો છે.