રાજકોટ રેન્જ આઇજી ટીમે ફિલ્મી ઢબે દારૂ ભરેલી કારનો પીછો કરી આટકોટ પાસેથી કાર ઝડપી લીધી હતી. કારમાં તપાસ કરતા અંદરથી ૧૫૩૨ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે દ્વારકા-પોરબંદરની બેલડીને ઝડપી રૂ. 18.54 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ચોટીલાથી દારૂ ભરી આપનાર, દારૂ લેવા મોકલનાર શખસ અને જેતપુરના બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં દારૂ-જુગારની ગેરકાયદે બદ્દીને ડામવા અસરકારક કામગીરી કરવાની રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની સૂચનાને પગલે રેન્જ આઈજી ટીમના પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.સી. મિયાત્રાની ટીમના એએસઆઈ વકારભાઈ આરબ, દિવ્યેશભાઈ સુવા, કોન્સ્ટેબલ નિકુલભાઈ પંપાણીયા, રવિરાજસિંહ વાળા, ગોવિંદભાઈ રબારી સહીતની ટીમો પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ ટીમને સંયુક્ત રીતે હકીકત મળી હતી કે, રાજકોટ-ભાવનગર હાઇવે પરથી એક કાળા કલરની હ્યુન્ડાઇ ક્રેટા કાર જેના રજી. નં.-જીજે-10-ઈએમ-0945 દારૂનો જથ્થો ભરી પસાર થનાર છે. જેથી પોલીસ ટીમે બપોરે સાડા ત્રણ વાગ્યાં આસપાસ આટકોટ બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીવાળી ક્રેટા કાર પસાર થતાં આડશ ઉભી કરી કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ ચાલકે પોલીસને જોઈ કાર પૂરપાટઝડપે આટકોટ ગામમાં કામધેનુ ગૌશાળા તરફ હંકારી મૂકી હતી.જેથી પોલીસની ટીમે ક્રેટા કારનો પીછો કરી આટકોટ ગામમાં અક્ષર ભુવન મકાન પાસેથી કારને ઝડપી લીધી હતી. પોલીસે અહીંથી કાર ચાલક રાજુ અરજણભાઈ હુણ (ઉવ 26 રહે. બોખીરા વિસ્તાર, પોરબંદર) અને તેની બાજુમાં બેઠેલ શખ્સ ખીમા ઉર્ફે કકન બધાભાઈ હુણ (ઉવ 30 રહે. રાણપરગામ, ભાણવડ, દ્વારકા) ને અટકાયતમાં લઈ કારની જડતી કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની કુલ ૧૫૩૨ બોટલ જેની કિંમત રૂ. 3,39,480 મળી આવતા પોલીસે દારૂ, કાર, મોબાઈલ મળી કુલ રૂ. 18,54,480 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલા બંને શખસોએ કબુલાત આપી હતી કે, તેઓ દારૂનો જથ્થો વિજય ભાઈજીભાઈ જોશી (હાલ રહે. શાપર, રાજકોટ. મૂળ રહે. રાણપરગામ, ભાણવડ, દેવભૂમિ દ્વારકા)ના કહેવાથી ચોટીલાના ફુલજર ગામે રામકુ વીકમા પાસેથી દારૂનો જથ્થો ભરી જેતપુર ખાતે વિજય જોશી કહે તેને દારૂની ડિલિવરી આપવા જઈ રહ્યા હતા દરમિયાન પોલીસે દરોડો પાડી બંનેને ઝડપી લીધા હતા. જેથી રાજકોટ રેન્જ આઇ.જી. ટીમે હાલ ચોટીલાના સપ્લાયર રામકુ વીકમા અને વિજય જોશી તેમજ જેતપુરના બુટલેગરની શોધખોળ હાથ ધરી હતી.