રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યવ્યાપી ચાલી રહેલા 'ઓપરેશન મ્યુલ હેન્ડ ૨.૦' (Operation Mule Hand 2.0) અંતર્ગત રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં મ્યુલ બેંક એકાઉન્ટ ધરાવતા શખ્સો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. ડેપ્યુટી સીએમ, ડીજીપી સાહેબ અને રાજકોટ રેન્જ ડીઆઈજીના માર્ગદર્શન હેઠળ આ આખી કાર્યવાહી હાથ ધરાઈ છે. આ મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ સ્ટેશનોમાં કુલ ૧૬ આરોપીઓ વિરુદ્ધ ૮ જેટલી એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ તમામ ૮ એફઆઈઆર અંતર્ગત જે એકાઉન્ટ્સ સામે આવ્યા છે, તેના વિરુદ્ધ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (1930) પર કુલ ૫૦ જેટલી ફરિયાદો અગાઉથી જ નોંધાયેલી હતી. આ આખા સાયબર ફ્રોડમાં અંદાજે રૂ. ૧,૭૮,૯૨,૬૪૫ (એક કરોડ આઠોતેર લાખ બાણું હજાર છસો પિસ્તાળીસ) જેટલી માતબર રકમ સંડોવાયેલી છે. હાલમાં પોલીસે ૧૬ આરોપીઓમાંથી ૯ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય ૭ આરોપીઓને પકડવા માટે અલગ-અલગ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ તમામ બેંક ખાતાઓ એવા લોકોના હતા જેઓ પોતાનું એકાઉન્ટ ભાડે આપતા હતા. સાયબર ગુનેગારો આ ખાતાઓનો ઉપયોગ ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવા કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરતા હતા. પકડાયેલા કેટલાક આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ દર મહિને માત્ર ૫ થી ૧૦ હજાર રૂપિયાની લાલચે પોતાના બેંક ખાતાઓ અજાણ્યા લોકોને ભાડે આપી દેતા હતા. આ નેટવર્કનું કનેક્શન સુરત સુધી પણ લંબાયેલું હોવાનું સામે આવ્યું છે, જેથી સુરતમાં રહેલા આરોપીઓને દબોચી લેવા માટે એક ખાસ પોલીસ ટીમ રવાના કરવામાં આવી છે.
પોલીસ પ્રશાસન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ સંજોગોમાં જીએસટીના બહાને, ટ્રાન્ઝેક્શન કરવા માટે કે માસિક ભાડાની લાલચમાં આવીને પોતાનું બેંક એકાઉન્ટ બીજા કોઈ વ્યક્તિને વાપરવા ન આપે. જ્યારે પણ સાયબર ફ્રોડની ફરિયાદ થાય છે, ત્યારે કાયદાકીય રીતે સૌથી પહેલું નામ એકાઉન્ટ હોલ્ડરનું આવે છે અને પ્રાથમિક ગુનેગાર તરીકે તેની જ ધરપકડ થાય છે. જો કોઈ નવી પેઢી (ફર્મ) ખોલીને પાર્ટનર બનાવવાની લાલચ આપે, તો પણ પહેલા તેની સંપૂર્ણ માહિતી એકત્ર કરવી જરૂરી છે. સાયબર પોલીસ હાલમાં તમામ ટ્રાન્ઝેક્શનના સોર્સ શોધી રહી છે અને છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને પણ ન્યાય અપાવવા માટે આગળની કાર્યવાહી કરી રહી છે.