BREAKING NEWS

રાજકોટ મ્યુનિ. વેરામાં 10 હજાર સુધી વ્યાજમાફી મંજૂર, આવતીકાલથી અમલ, બજેટમાં ૯૫ કરોડનો કરબોજ ફગાવ્યો

  • February 10, 2026 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે ૧૦:૦૦ કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૦૨૭નું રૂ.૩૬૦૪.૯૦ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું, જેમાં ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિ.કમિશનરે સૂચવેલા પાણી વેરા વધારા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં વધારાને સંપૂર્ણપણે નામંજૂર કર્યો હતો તેમજ મિલકતવેરા અને પાણીવેરામાં પાંચ-પાંચ હજાર મળી કુલ રૂ.૧૦ હજાર સુધીનું વ્યાજ માફ કરવાની વ્યાજમાફી યોજના મંજૂર કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીએ ડ્રાફ્ટ બજેટમાં ૨૩ નવી યોજના ઉમેરી હતી.

સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પૂર્ણ થયા બાદ સવારે ૧૧:૦૦ કલાકે ચેરમેનએ બજેટ અંગેની પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ તેમજ સંજોગોવશાત મિલકત વેરો અને પાણી વેરો ચુકવી શક્યા ન હોય તેવા બાકીદારોને ધ્યાને લઇને વ્યાજમાફી યોજના જાહેર કરવામાં આવી છે. અલબત્ત આ યોજનાનો લાભ સૌ કોઇને મળશે. તેમણે ઉમેર્યું હતું કે આવતીકાલથી જ વ્યાજમાફી યોજનાનો અમલ શરૂ થશે અને તા.૩૧ માર્ચ ૨૦૨૬ સુધી અમલી રહેશે. રહેણાંક તેમજ બિન રહેણાંક મિલકતોમાં ઉપરોક્ત યોજનાનો લાભ સમાન રીતે પ્રાપ્ત થશે.


રાજકોટ શહેરમાં કુલ છ લાખ મિલકતો છે તેમાંથી દર વર્ષે ચાર લાખ મિલકતોનો વેરો વળતર યોજના હેઠળ એડવાન્સ વસૂલાત થાય છે. રૂ.૫૦ હજાર જેટલી રકમનો વેરો બાકી હોય તેવા બાકીદારોની સંખ્યા ૧.૫૦ લાખ જેટલી છે અને તેવા બાકીદારોને ધ્યાને લઇને જ ઉપરોક્ત વ્યાજમાફી યોજના અમલી બનાવાઇ છે એક વખત વ્યાજમાફી અપાય તો તેવા બાકીદારોને નિયમિત કરદાતા બનવાની તક મળશે તેવો મુખ્ય હેતુ છે તેમ ચેરમેને ઉમેર્યું હતું.


સ્ટેન્ડિંગ કમિટીએ આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૦૨૭માં મિલકત વેરા વસૂલાતનો લક્ષ્યાંક રૂ.૫૨૦ કરોડ નિર્ધારિત કર્યો છે જેમાંથી અંદાજે ૨૫ કરોડ જેવી માતબર રકમની વેરા વસૂલાત વ્યાજમાફી યોજના થકી થશે, જ્યારે રૂ.૬થી ૮ કરોડ જેવી રકમનું વ્યાજ માફ થશે.


અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વ્યાજમાફી યોજના અપાતા રાજકોટમાં પણ વ્યાજમાફી યોજના આપવી જોઇએ તે અંગે આજકાલ દૈનિક દ્વારા તા.૬ અને ૭ ફેબ્રુઆરીના રોજ વિસ્તૃત અહેવાલો પ્રસિધ્ધ કરાયા હતા જેમાં વ્યાપાર ઉદ્યોગ જગત સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના અભિપ્રાયો પ્રસિધ્ધ કરાયા હતા, આ અહેવાલોની બજેટનો અભ્યાસ કરી રહેલી સ્ટેન્ડિંગ કમિટીએ ગંભીર નોંધ લીધી હતી અને વ્યાજમાફી યોજના જાહેર કરવા નિર્ણય કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application