વિકાસ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાનું કેન્દ્ર બની રહેલું રાજકોટ હવે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સાથે વૈશ્વિક મંચ પર પોતાની મજબૂત હાજરી નોંધાવવાનું છે. રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે ૧૧ જાન્યુઆરીએ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ તથા ટ્રેડ શોનો ઉદઘાટન સમારોહ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાશે. આ કોન્ફરન્સ ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાઓ, એમએસએમઇ શક્તિ અને સ્ટાર્ટઅપ સંભાવનાઓને નવી દિશા આપશે.
રીજીયોનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન થીમ સાથે યોજાનાર આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ- નિષ્ણાતો એક મંચ પર આવશે. અત્યાર સુધીમાં હજારો રજિસ્ટ્રેશનો અને અનેક આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઇઝેશનોની ભાગીદારી આ કોન્ફરન્સની વૈશ્વિક વિશ્વસનીયતા દર્શાવે છે. ડિફેન્સ, એરોસ્પેસ, ગ્રીન એનર્જી, એમએસએમઇ, સ્ટાર્ટઅપ્સ અને નવી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં યોજાનારા સેમિનાર, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને બી ટુ બી સંવાદો રાજકોટને ઓદ્યોગિક વિકાસ માટે નવી તકો ઉજાગર કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિવાન નેતૃત્વ હેઠળ નાગરિક સુવિધાઓમાં ગુણવત્તામાં સુધાર, રોજગારની નવી તકો, ટેકનોલોજી આધારિત સેવાઓ અને જનકલ્યાણની અસરકારક યોજનાઓના અમલીકરણને કારણે રાજકોટને વાઇબ્રન્ટ ઓળખ મળી. સરકાર-તંત્ર-જનસહયોગના સુમેળથી રાજકોટને ગતિ મળવાની સાથે દિશા પણ મળી.
વર્ષ ૨૦૨૫ રાજકોટ માટે વિકાસ, વિશ્વાસ અને વૈભવનો સુવર્ણ અધ્યાય સાબિત થયો. રાજકોટ એ વર્ષ દરમિયાન સર્વાંગી વિકાસની નવી ઊંચાઈઓ સ્પર્શી. મુખ્યમંત્રીના સશક્ત નેતૃત્વ અને સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાના પરિણામે શહેરને અનેક મહત્ત્વાકાંક્ષી અને લોકહિતકારી પ્રકલ્પોની અમૂલ્ય ભેટ મળી. આજે, આવા પ્રેરણાદાયક અને પરિવર્તનકારી પ્રકલ્પોની વાત કરીએ, જેમણે વર્ષ ૨૦૨૫ને રાજકોટના વિકાસ ઇતિહાસમાં સ્મરણિય બનાવ્યું.
હિરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ સૌરાષ્ટ્રના સર્વાંગી વિકાસનું પ્રતિક બનીને ગુજરાતને નવી ઉંચાઈએ લઈ જવાનું કાર્ય કરી રહ્યું છે. આ એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઇવે પર સ્થિત હોવાના કારણે લોજિસ્ટિક્સ સંબંધિત સમય અને ખર્ચમાં ઘટાડો થયો છે, મોરબીનો સિરામિક ઉદ્યોગ તેમજ જામનગર અને આસપાસના અન્ય ઉદ્યોગો માટે પણ આ એરપોર્ટ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. ટ્રાવેલ લોજિસ્ટિક્સ, હોટેલ ઉદ્યોગ, રેસ્ટોરાં, વેરહાઉસિંગ, કાર્ગો હેન્ડલિંગ અને ક્લીયરિંગ બિઝનેસને નવી દિશા મળી છે.
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ શહેરમાં નવનિર્મિત અદ્યતન સાયબર સેન્ટીનલ્સ લેબ તેમજ માઉન્ટેડ પોલીસ લાઇન ખાતે રૂ. ૨૯૨૬ લાખના ખર્ચે નિર્મિત બી-કક્ષાના ૧૦૮ પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ફાઇનાન્સિયલ તથા સોશિયલ નુકસાનની રિકવરી અને ડિજિટલ હેરેસમેન્ટના કેસોના ઝડપી નિરાકરણમાં ગુજરાત રાજ્ય આજે અગ્રેસર બની રહ્યું છે. આવા પડકારોને અસરકારક રીતે કાબૂમાં લેવા માટે આધુનિક ટેકનોલોજીથી સજ્જ સાયબર સેન્ટીનલ્સ લેબ સમયની મહત્વની જરૂરિયાત છે. રાજકોટ પોલીસ દ્વારા વિકસાવવામાં આવેલા પાંચ જેટલા સોફ્ટવેર ડિજિટલ ગુનાઓ અટકાવવામાં વધુ મદદરૂપ બની રહ્યા છે.
આધુનિક વિકાસની દિશામાં અગ્રેસર રહેલું રાજકોટ શહેર આજે કલા અને સંસ્કૃતિની સમૃદ્ધ વિરાસતને પણ સમાન ગૌરવ સાથે જાળવી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા રૂ. ૫.૯૦ કરોડના ખર્ચે નિર્મિત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના નવસર્જિત એક્ઝીબીશન હોલનું લોકાર્પણ મુખ્યમંત્રીના કરકમળે કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જિલ્લાના શહેરી, ગ્રામીણ, વાણિજ્ય, ઔદ્યોગિક તથા કૃષિ વિસ્તારોને અવિરત વીજ પુરવઠો પુરો પાડવા, ગુજરાત ઊર્જા પરિવહન નિગમ દ્વારા રૂ. ૨૩૮.૧૧ કરોડના ખર્ચે ૬૬ કે.વી.ના નવા સાત સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જિલ્લાના છેવાડાના વિસ્તારોના નાગરિકોને દરરોજ માથાદીઠ ૧૦૦ લીટર પાણી મળી રહે તે માટે નર્મદા, જળસંપત્તિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રૂ. ૮૪.૨૯ કરોડના ખર્ચે મોવિયા, મચ્છુ-૧ અને પડધરી એમ ત્રણ જૂથ પાણી પુરવઠા યોજનાના વિસ્તરણનાં કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ત્રણ જૂથ યોજનાઓ થકી રાજકોટ, વાંકાનેર, ગોંડલ, કોટડાસાંગાણી, પડધરી, લોધિકા અને ધ્રોલ તાલુકાનાં ૧૩૨ ગામ-નગરોના આશરે ૩.૭૦ લાખથી વધુ લોકોને માથાદીઠ ૧૦૦ લીટર પાણી વિતરણ થાય છે. વીજળી, પાણી અને ઉત્તમ રોડ કનેક્ટિવિટી મળવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગ-ધંધા ઝડપથી વિકસ્યા છે.
રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓનું નેટવર્ક વધુ સુદ્રઢ બનાવવા સરકાર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. સુદ્રઢ આંતરમાળખાકીય સુવિધાઓ એ વિકાસની પહેલી શરત છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ જિલ્લાના ૬ રસ્તાઓ અને ૨ પુલના ખાતમુહૂર્ત અને ખીરસરાથી લોધિકા સુધીના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાને આર્થિક, સામાજિક અને આંતરમાળખાકીય રીતે વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રીશ્રીના હસ્તે માર્ગ મકાન વિભાગ હસ્તકના રૂ. ૧૧૨ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર પાંચ રોડ અને બે પુલનું ખાતમુહૂર્ત તથા એક રોડનું લોકાર્પણ કરાયું હતું. જ્યારે રૂડા હેઠળના તરઘડીથી બાઘી ગામ સુધીના ગાડા માર્ગને આધુનિક રસ્તો બનાવવાના રૂ. ૬ કરોડથી વધુના કામનો પણ મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ કરાયો હતો. અંદાજે ૧૧૮ કરોડથી વધુના રસ્તાના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થકી રાજકોટ જિલ્લાની આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓને વધુ વેગ મળ્યો છે.
વિકાસ માત્ર માળખાંથી નથી માપાતો, વિકાસ ત્યારે સાર્થક બને છે જ્યારે યુવાનોને સપનાથી સફળતા સુધીની દિશા મળે. આવા જ દ્રષ્ટિકોણ સાથે વિકાસ સપ્તાહ અંતર્ગત રાજકોટ ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો. વર્ષ ૨૦૨૫માં ૭૨૧ યુવાનોને રોજગાર એનાયત પત્રો, ૭૦૧ આઈ.ટી.આઈ. તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર તેમજ આઈટીઆઈના આધુનિકીકરણ માટે ઉદ્યોગો સાથે ૬ એમઓયુ કરવામાં આવ્યા હતા. યુવાનોને આત્મનિર્ભર બનાવવા રોજગાર, તાલીમ અને કૌશલ્ય આધારિત અનેક યોજનાઓ અમલમાં છે. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના વિચાર સાથે સ્થાનિક ઉત્પાદન, સ્થાનિક કારીગર અને સ્થાનિક રોજગારને મજબૂત બનાવવાનો પ્રયાસ સતત આગળ વધી રહ્યો છે.
આ રીતે, વિકાસના દરેક આયામને સ્પર્શતું રાજકોટ આજે પ્રગતિશીલ અને પ્રેરણાદાયી બનીને ઊભર્યું છે. સુવિધાઓ, સંસ્કૃતિનું સંવર્ધન અને યુવા શક્તિનું સશક્તિકરણ—આ તમામ પાસાંઓએ રાજકોટને વાઇબ્રન્ટ ઓળખ આપી છે. સરકારના દ્રષ્ટિવાન નેતૃત્વ, લોકહિતકારી નીતિઓ અને જનસહયોગના સુમેળથી શહેર વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેમજ વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ સાથે રાજકોટ વૈશ્વિક મંચ પર પોતાના સંભાવનાઓનો વિશ્વાસપૂર્વક પરિચય કરાવી રહ્યું છે.