રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી મહાકાય ડિમોલિશનની કામગીરી આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. મનપા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાયેલા આ 'ઓપરેશન જંગલેશ્વર'માં કુલ 1509 મકાનોનો સફાયો કરી દેવામાં આવ્યો છે. જે શેરી-ગલીઓ ગઈકાલ સુધી લોકોથી ધમધમતી હતી ત્યાં આજે માત્ર કાટમાળના ઢગલા અને વેરાન મેદાન નજરે પડી રહ્યા છે.

7 ઝોન અને 42 ટીમોનું માઈક્રો પ્લાનિંગ
આ સમગ્ર કામગીરીને પાર પાડવા માટે તંત્ર દ્વારા વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો હતો, જેમાં કુલ 42 ટીમો સતત કાર્યરત રહી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને ડ્રોન સર્વેલન્સ વચ્ચે એક પણ અનિચ્છનીય બનાવ વગર આ મેગા ઓપરેશન પાર પડ્યું છે. નદી કાંઠાનો આખો વિસ્તાર હવે ખુલ્લા મેદાનમાં ફેરવાઈ ગયો છે.
હિસ્ટ્રીશીટરોના ગુનાખોરીના સામ્રાજ્ય પર પ્રહાર
આ ડિમોલિશનનો સૌથી મહત્વનો પક્ષ ગુનેગારો વિરુદ્ધની કડક કાર્યવાહી રહ્યો છે. પોલીસ રેકોર્ડ પરના 11 હિસ્ટ્રીશીટરોના બાંધકામોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા હતા. 8 આલીશાન બંગલા ગુનાહિત પ્રવૃત્તિથી ઉભા કરાયેલા વૈભવી મકાનો તોડી પડાયા છે. નદીના પટ્ટમાં ગેરકાયદેસર ઓરડીઓ બનાવી ભાડે આપવામાં આવતી હતી, જેની આવકનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં થતો હતો. જેમાં 97 ઓરડી અને 3 દુકાન તોડી પાડવામાં આવી છે. 3000 સ્ક્વેર ફૂટનો વિશાળ વંડાને પણ જેસીબીની મદદથી ધ્વસ્ત કરાયો છે.

કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે
ડિમોલિશન પૂર્ણ થતાની સાથે જ હવે કાટમાળ ખસેડવાનું કામ તેજ કરવામાં આવ્યું છે. ગઈકાલે 1000 મેટ્રિક ટન અને આજે 2500 મેટ્રિક ટન કાટમાળ ખસેડવામાં આવ્યો છે. હાલમાં આ કાટમાળ દેવપરા વિસ્તારમાં એક ખાનગી પ્લોટમાં એકત્ર કરાઈ રહ્યો છે, જ્યાંથી બાદમાં મનપાની ડમ્પિંગ સાઈટ પર મોકલી દેવાશે.

વિકાસનો માર્ગ મોકળો: ટીપી રોડનું ખાતમુહૂર્ત ટૂંક સમયમાં
આ કાર્યવાહી માત્ર દબાણ હટાવવા પૂરતી સીમિત નથી. દબાણો દૂર થવાથી હવે આ વિસ્તારમાં ટીપી સ્કીમ મુજબના રસ્તાઓ બનાવવાનો માર્ગ મોકળો થયો છે. તંત્ર દ્વારા શક્ય તેટલી વહેલી તકે અહીં નવા રોડ માટે ખાતમુહૂર્ત કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જે આ વિસ્તારની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થામાં ક્રાંતિકારી ફેરફાર લાવશે. આ ઓપરેશનથી સાબિત થયું છે કે ગમે તેટલા વગદાર ગુનેગાર હોય, કાયદાથી ઉપર કોઈ નથી.