BREAKING NEWS

અમદાવાદમાં રાજકોટના નબીરાઓનો આતંક: દારૂના નશામાં દંપતીને અડફેટે લીધુ, સ્થાનિકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યા

  • November 12, 2026 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં નશાની હાલતમાં વાહન ચલાવી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકવાના બનાવો સતત વધી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો બનાવ અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે, જ્યાં રાજકોટના યુવકોએ દારૂના નશામાં પૂરઝડપે કાર હંકારીને રસ્તા પર જઈ રહેલા એક દંપતીને જોરદાર ટક્કર મારી હતી.


આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ કારચાલકને ઝડપી પાડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.


મળતી માહિતી મુજબ, અમદાવાદના એક વ્યસ્ત માર્ગ પરથી એક દંપતી પસાર થઈ રહ્યું હતું, તે દરમિયાન રાજકોટ પાર્સિંગની એક વર્ના કાર પૂરઝડપે આવી રહી હતી. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા દંપતીને અડફેટે લીધું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે દંપતી રસ્તા પર ફંગોળાઈ ગયું હતું અને તેમને શરીરે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના રાહદારીઓ અને સ્થાનિક દુકાનદારો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.


સ્થાનિકોએ જ્યારે કાર પાસે જઈને તપાસ કરી, ત્યારે કારમાં સવાર યુવકો દારૂના નશામાં ચૂર હોવાનું જણાયું હતું. એટલું જ નહીં, લોકોએ કારની તલાશી લેતા અંદરથી દારૂની બોટલ પણ મળી આવી હતી. દારૂની બોટલ અને નશામાં ધૂત યુવકોને જોઈને સ્થાનિક લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ કારચાલક યુવકને બહાર કાઢીને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો, જેથી તે ભાગી ન શકે.


બીજી તરફ, ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટોળાના ચુંગાલમાંથી કારચાલકને છોડાવીને કસ્ટડીમાં લીધો હતો અને કારમાંથી મળી આવેલી દારૂની બોટલ તથા વર્ના કારને જપ્ત કરી હતી. ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવકો રાજકોટના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે નશાની હાલતમાં વાહન ચલાવવા, અકસ્માત સર્જવા અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ યુવકો અમદાવાદ શા માટે આવ્યા હતા અને દારૂ ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પણ પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application