દેશમાં ભૂગર્ભ જળ સ્તરમાં ઝડપી ઘટાડો, પગલાં ન લેવાય તો જળ સંતુલન ખોરવાશે
દેશમાં ભૂગર્ભ જળ સ્તરમાં ઝડપી ઘટાડો, પગલાં ન લેવાય તો જળ સંતુલન ખોરવાશે
September 19, 2026 10:30 AM
વિશ્વ હવામાન સંસ્થા દ્વારા હાલમાં જ જારી કરવામાં આવેલા 'સ્ટેટ ઓફ ગ્લોબલ વોટર રિસોર્સિસ' ના નવા રિપોર્ટમાં ભારતને લઈને એક ખૂબ જ ચિંતાજનક ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં ભૂગર્ભ જળનું સ્તર ઝડપથી નીચે જઈ રહ્યું છે, જેના કારણે દેશનું એકંદર જળ સંતુલન ગંભીર રીતે જોખમમાં મુકાયું છે. યુનાઇટેડ નેશન્સે આ સ્થિતિને ભવિષ્યની મોટી કટોકટી ગણાવીને તાત્કાલિક અસરથી નક્કર પગલાં ભરવાની ચેતવણી આપી છે.રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના ખાસ કરીને ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં (જેમ કે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ) જમીનમાંથી પાણીનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. પરંપરાગત ખેતી પદ્ધતિઓ અને ઘઉં-ચોખા જેવા વધુ પાણી માગતા પાકોના અતિશય વાવેતરને કારણે ટ્યુબવેલ અને બોરવેલ દ્વારા જરૂરિયાત કરતા ઘણું વધારે પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. સામે પક્ષે, ગ્લોબલ વોર્મિંગ, અનિયમિત વરસાદ અને શહેરીકરણના કારણે વરસાદી પાણી જમીનમાં ઉતરવાની પ્રક્રિયા મંદ પડી ગઈ છે. પરિણામે, 'ઉપયોગ વધુ અને રિચાર્જ ઓછું' થવાની સ્થિતિ સર્જાઈ છે.