જંગલેશ્વરમાં ઐતિહાસિક ડિમોલિશનની કામગીરી અનેક પરિવારોએ પોતાનો આશરો ગુમાવ્યો છે. દાયકાઓથી જયાં રહેતા હતા તે ઘર છીનવાય જવાથી ઘણા પરિવારમાં આઘાત અને આક્રોશની લાગણી જોવા મળી હતી.દરમિયાન જંગલેશ્વરમાં પોતાનું મકાન ગુમાવનાર રેપર ચાંદમિયાએ એક રેપ સોંગ બનાવી પોતાનો રોષ વ્યકત કર્યો છે. જેના શબ્દો છે કે, આ કેવો દોર છે, નેતા ચોર છે, ગરીબના ઘર માથે જ કેમ નીકળે રોડ છે. આ સોંગ ઝડપથી વાઇરલ થયું હતું. આ સોંગને લીધે શાંતિ ન ડહોળાય અને સ્થિતિ ન બગડે તે માટે ભકિતનગર પોલીસે આ રેપર ચાંદમીયા ફકીર સામે અટકાયતી પગલાં લીધા હતાં.
પોલીસ દ્વારા ડિમોલિશ દરમિયાાન સતત સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટપણે કહ્યું હતું કે પોલીસની સાયબર ટીમ ડિમોલિશન દરમિયાન સોશિયલ મીડિયા એકટિવિટી સતત નજર રાખી રહી છે. જો કોઇ પણ વ્યકિત અફવા ફેલાવશે કે કામગીરીમાં અડચણ થાય શાંતી ડહોળાય તેવા મેસેજ કરશે તો પોલીસ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરશે.
પોલીસે ડિમોલિશનની આ કામગીરી દરમિયાન કોઇ અનઇચ્છનીય ઘટના બને તે માટે પોલીસ દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા ૫૦ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી બાદમાં તેમને બોન્ડજામીન આપી મુકત કરવામાં આવ્યા હતાં.