ગુજરાતના લાખો રાશકાર્ડધારકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં જણાવાયું છે કે, રાશનકાર્ડનો ઉપયોગ હવે રાશન અને ગેસ મેળવવા માટે જ થઈ શકશે. રાશનકાર્ડ ઓળખના પૂરાવા તરીકે માન્ય રહેશે નહીં.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા બહાર પડાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે રાશનકાર્ડની માન્યતા હવે માત્ર રાશન મેળવવા અને રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ સબસિડીવાળું અનાજ મેળવવા પૂરતી જ સીમિત રહેશે.

દસ્તાવેજો માટે રાશનકાર્ડ રજૂ કરી શકાશે નહીં
સરકારના આ નિર્ણયને કારણે હવે બેંક ખાતું ખોલાવવું, મોબાઇલ સિમ કાર્ડ મેળવવું, કે સરકારી યોજનાઓનો લાભ લેવા જેવી વિવિધ સેવાઓ અને દસ્તાવેજો માટે રાશનકાર્ડ રજૂ કરી શકાશે નહીં. આ માટે નાગરિકોએ આધારકાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ અથવા અન્ય માન્ય સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે. આ નિર્ણયનો હેતુ રેશનકાર્ડનો દુરુપયોગ અટકાવવાનો અને તેના મૂળ હેતુ ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવાનું મનાય છે.