જામનગરના રવાણી ખીજડીયાની ૧૧ માસની દીકરીનું સારવારમાં મોત

  • April 28, 2025 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તબીબની બેદરકારીનો આક્ષેપઃ જવાબદાર તબીબ સામે કાર્યવાહી કરવા અંગે કૃષિમંત્રીને કરાતી રજૂઆત 


ધ્રોલના રવાણી ખીજડીયાની ૧૧ મહિનાની બાળકી મિતાંશીબા જાડેજાનું રાજનગર ચોકની માં શારદા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા બાદ તેણીને સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં રીફર કરાયા પછી મૃત જાહેર કરવામાં આવતાં બાળકીના પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો હતો. ડોક્ટરની બૈદરકારીને કારણે દિકરીનું મોત થયાના રોષ સાથે બાળકીના પિતા જનકસિંહ જાડેજા સહિતના કુટુંબીજનો, સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં અને ડોક્ટર સામે રોષ વ્યક્ત કરી તેમનું લાયસન્સ સસ્પેન્ડ કરવા અને ત્યાં ઓપરેશનની પરવાનગી રદ કરવા કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી. તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પણ આ બાબત અંગે રજૂઆત કરી હતી.

સમગ્ર બનાવની વિગતો અનુસાર જામનગરના રવાણી ખીજડીયા ગામના પરિવારની ૧૧ મહિનાની દિકરીને તાવની સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.બાળકીના ગળામાં ગાંઠનું ઈન્ફેક્શન છે અને ઓપરેશન કરવું પડશે તેવું તબિબે કહેતાં પરિવાર દિકરીને બચાવવા ઓપરેશન માટે રાજી થઈ ગયો હતો.  અને ડોક્ટરે કહ્યા મુજબના રૂપિયા પણ ભરી દીધા હતાં. પરંતુ ઓપરેશન બાદ બાળકીને ત્યાંથી  બીજી હોસ્પિટલમાં રીફર કરી દેવામાં આવ્યા બાદ તેણીનું મોત થતાં પરિવારજનોએ તબિબી બેદરકારીનો આક્ષેપ કરી રાતે હોસ્પિટલ ખાતે રોષ દાખવતાં પોલીસ દોડીગઈ હતી. 

ત્યારબાદ બાળકીના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પરિવારજનોએ બાળકીના મૃત્યુ પાછળ ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ કરતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતક બાળા મિતાંશીબાના પિતા જનકસિંહ જાડેજાએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે-મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરીમા મિતાંશીબા હતાં.  અમારા ઘરના મહિલા સભ્યને રાજકોટ નાના મવા રોડની મા શારદા હોસ્પિટલમાં ડો. જીતેન્દ્ર ગાધેને બતાવવા આવ્યા હતાં. ડોક્ટરે નિદાન કરી દિકરીને ગળામાં ગાંઠ છે ઈન્ફેક્શન છે અને ઓપરેશન કરવું પડશે તેવું કહેતાં અમે પુરૂષ વર્ગ પહોંચેલ દિકરીને ઓપરેશનની જરૂર જ હોય તો કરી નાંખવા સંમતી આપી હતી. આ માટેની નક્કી થયેલી ફી હતી.

જનકસિંહે વધુમાં કહ્યું હતું કે, આઠેક વાગ્યે ઓપરેશન થઇ ગયાની અમને જાણ થઈ હતી પરંતુ દિકરીને બહાર લાવવામાં ન આવતાં અને લાંબો સમય વિતી જતાં અમે આ અંગે ડોક્ટરને પુછતાં એવો જવાબ અપાયો હતો કે ઓપરેશન બાદ દિકરીના હૃદયમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું હોવાથી તબિયત બગડતાં તેણીને સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં ખસેડી છે. અમારી દિકરીને ઓપરેશન બાદ બારોબાર બીજી હોસ્પિટલમાં લઈ જવાઈ તેની જાણ પણ અમને કરવામાં આવી નહોતી. આ હોસ્પિટલમાં બાદમાં રાતે સાડા દસેક વાગ્યે અમારી દિકરીને મૃત જાહેર કરવામાં આવી હતી.

જનકસિંહે​​​​​​​ વધુ આક્ષેપો કરતાં કહ્યું હતું કે મા શારદા હોસ્પિટલમાં આઈસીયુની સુવિધા પણ નહોતી, અમારી દિકરીને અહિંથી બીજી હોસ્પિટલમાં રીફર કરી ત્યારે પણ કદાચ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન કે વેન્ટીલેટર નહોતાં. સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં અમારી દિકરીને પહોંચાડાઈ હતી જ્યાં તેનું મૃત્યુ થયું હતું. ખરેખર ઓપરેશન થયું હતું કે કેમ...? તેની પણ અમને શંકા છે. અમે ફરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ બેદરકારી માટે જવાબદાર સામે કાર્યવાહી કરશું.તેમજ પોલીસ વિશેષ તપાસ કરી રહી છે. લાડકવાયી દિકરીને ગુમાવતાં પિતા જનકસિંહ જાડેજા, માતા તેજલબા જાડેજા સહિતના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application