ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કૌભાંડીઓએ તૈયાર કરેલા મિથેનોલયુક્ત નકલી ઇંગ્લિશ દારૂના કારણે ભારે હોબાળો મચ્યો છે. આ સમગ્ર લઠ્ઠાકાંડ પાછળ બુટલેગર ગૌતમ સોલંકીનું મગજ હોવાનું સામે આવ્યું છે. ગૌતમે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી રઇસ અને અન્ય સહયોગીઓ સાથે મળીને દારૂ બનાવવાનું પ્લાનિંગ કર્યું હતું. તેમણે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી મિથેનોલ, વ્હાઈટ લિક્વિડ મટિરિયલ, ખાલી બોટલો, ઢાંકણાં અને રોયલ સ્ટેગ કંપનીના ડુપ્લિકેટ સ્ટીકરો ખરીદીને ટ્રાન્સપોર્ટ મારફતે વરતેજ લાવ્યા હતા. દારૂ મિશ્રિત કરવા માટે ઉજ્જૈનથી ખાસ નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે 'ડૉક્ટર'ને બોલાવવામાં આવ્યો હતો. તેણે ગૌતમ સોલંકીના ઘરે સારસ, ગણેશ અને અમન સાથે મળીને ઝેરી દારૂ તૈયાર કર્યો હતો.
ત્રણ તબક્કામાં બનાવ્યો દારૂ, વેચાણ વધતા સ્થિતિ વણસી
આરોપીઓએ ભેગા મળીને કુલ ત્રણ તબક્કામાં દારૂ બનાવ્યો હતો. પ્રથમ પ્રયાસમાં તૈયાર થયેલી 51 પેટી દારૂ ગૌતમ અને તેના સાળાએ વેચી માર્યો હતો. બીજી વખતે બનાવેલો દારૂ અત્યંત ખરાબ અને ઝેરી જણાતાં તેનો ઘટનાસ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. જોકે, ત્રીજી વખત 25 પેટી દારૂ બનાવીને ભાવનગર અને આજુબાજુના ગામડાઓમાં છૂટક વેચાણ અર્થે મોકલી દેવાયો હતો. આ પૈકી સંજય ચાવડા નામના શખ્સને વેચેલી 36 પેટીઓ નીલમબાગ પોલીસે દરોડો પાડીને જપ્ત કરી લીધી હતી. હાલ ભાવનગર પોલીસે ગૌતમ સોલંકી સહિત 21 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઝેરી દારૂની ફોર્મ્યુલા આપનાર 'ડૉક્ટર'નું જ દારૂ પીવાથી કરૂણ મોત
આ ઘટનાનો સૌથી ચોંકાવનારો વળાંક એ આવ્યો છે કે જેણે આ ઝેરી દારૂ બનાવવાની ફોર્મ્યુલા આપી હતી, તે નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટર પોતે જ આ દારૂનો ભોગ બન્યો હતો. દારૂ બનાવ્યા બાદ તેણે પોતે પણ તેનું સેવન કર્યું હતું, જેના બીજા જ દિવસે તેની તબિયત લથડી હતી. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આમ, લોકોના જીવ જોખમમાં મૂકનાર માસ્ટરમાઇન્ડ પોતાના જ ઝેરી દારૂનો શિકાર બની ગયો હતો.
7 લોકોના મોતથી અરેરાટી, સર ટી. હોસ્પિટલમાં દર્દીઓનો જમાવડો
આ ઝેરી દારૂ પીવાથી ભાવનગરમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 39 લોકો સારવાર હેઠળ છે. મૃતકોમાં કાળીયાબીડ વિસ્તારના 35 વર્ષીય પરિણીત યુવક જય જીતેન્દ્રભાઈ ભટ્ટી અને સોનગઢની સરકારી સ્કૂલના શિક્ષક હિતેશ પરમારનો સમાવેશ થાય છે, જેમના ઘરેથી પોલીસે દારૂની અડધી બોટલ પણ જપ્ત કરી છે.
તબીબોની 4 ટીમો તહેનાત, મુંબઈથી ફોમેપિઝોલ ઇન્જેક્શન મંગાવાયા
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભાવનગર સર ટી. હોસ્પિટલમાં દર્દીઓની રાઉન્ડ ધ ક્લોક સારવાર માટે 4 તબીબી ટીમો તહેનાત કરાઈ છે. ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. કૈરવી દેસાઈના જણાવ્યા મુજબ, અમદાવાદની IKDRC હોસ્પિટલમાંથી કિડની અને લીવરના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને પણ બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, દર્દીઓના બચાવ માટે મુંબઈથી ખાસ 'ફોમેપિઝોલ' (Fomepizole) ઇન્જેક્શન મંગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા બોટાદ અને અમરેલીથી 100 વધારાના પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે.