BREAKING NEWS

જયેશ રાદડિયાને વિસાવદર ચૂંટણીની હાર, ઇફ્કોની ચૂંટણીમાં પક્ષ સામે બળવો નડ્યો

  • October 17, 2025 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાની જેતપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય જયેશ રાદડિયાને મંત્રી મંડળમાં તક મળશે તેવી વાત છેલ્લા દોઢ બે મહિનાથી જોરશોરથી ચર્ચામાં હતી પરંતુ આજે જાહેર થયેલા મંત્રી મંડળમાં જયેશ રાદડિયાને સ્થાન નહીં આપીને કટ ટુ સાઇઝ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાંથી લેઉવા પાટીદાર સમાજના સિનિયર ધારાસભ્ય જીતુ વાઘાણી અને પ્રથમવાર ચૂંટાયેલા યુવાન ધારાસભ્ય કૌશિક વેકરિયાનો સમાવેશ કરીને પક્ષએ સોશ્યલ એન્જિનિયરિંગનું પરફેક્ટ બેલેન્સ કર્યું છે. ખાસ કરીને વિસાવદરની પેટા ચૂંટણીમાં જયેશ રાદડિયાને જવાબદારી સોંપી હોવા છતાં મળેલો કરૂણ પરાજય તેમજ સહકારી સંસ્થા ઇફકોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેન્ટ વિરૂધ્ધ જઇને જીત મેળવી પક્ષને નુકસાન કરતા આ બન્ને બાબતની પાર્ટી હાઇ કમાન્ડએ ગંભીર નોંધ લીધી હતી.


રાજકોટમાં શક્તિ પ્રદર્શન પણ કારી ન ફાવી

તાજેતરમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઇ શાહને રાજકોટ આમંત્રિત કરી રેસકોર્સ મેદાનમાં વિશાળ સહકાર સંમેલન યોજનાર જયેશ રાદડિયાને મંત્રી પદ મળશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું અને આ માટે તેમણે ખૂબ લોબિંગ પણ કર્યું હતું પરંતુ કારી ફાવી ન હતી. રાજકોટમાં હજારો ખેડૂતોને એકત્રિત કરી જાહેર સભા યોજતા અમિતભાઈ શાહએ જયેશભાઇ રાદડિયાને બિરદાવ્યા હતા, પરંતુ આજે જાહેર થયેલા નવા મંત્રી મંડળમાં ક્યાંય તેમનો સમાવેશ થયો નથી તે હકીકત છે.


પક્ષ અને સરકાર બંનેને નીચાજોણું થયું

ખાસ કરીને બે બાબતો જયેશ રાદડિયાને મંત્રી પદ નહીં મળવા માટે જવાબદાર મનાય રહી છે. જેમાં મુખ્ય તો પ્રતિષ્ઠાના જંગ સમી વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં જયેશ રાદડિયાને જવાબદારી સોંપવામાં આવી હતી. તેમ છતાં તે બેઠક ઉપર ભાજપનો પરાજય થતા પક્ષ અને સરકાર બંનેને નીચાજોણું થયું. અલબત્ત તેથી વધુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા બાદ ભારે સક્રિય થતા સરકાર અને પક્ષ બંને માટે માથાના દુ:ખાવા સમાન સળગતો પ્રશ્ન બન્યો છે. આ બાબતની પાર્ટી હાઇ કમાન્ડે ગંભીર નોંધ લીધી હતી.


ઇફ્કોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ સામે પડ્યા


તદઉપરાંત ઇફકોની ચૂંટણીમાં ભાજપે આપેલા મેન્ડેટ અનુસારના ઉમેદવાર સામે બળવો કરી પોતે ચૂંટણી લડીને જીત મેળવી હતી, જ્યારે આ ઘટના બની તત્કાલીન સમયે જ પ્રદેશ ભાજપના તત્કાલિન અધ્યક્ષ સી.આર. પાટીલએ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી અને આવું કરવા બદલ ઠપકો પણ આપ્યો હતો. ઇફકોએ રાષ્ટ્રીય સંસ્થા હોય તેની ચૂંટણીમાં થયેલો બળવો ફ્ક્ત ગુજરાત જ નહીં પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. આ મામલે પગલાં લેવાશે તેવી ચિમકી પણ પક્ષ દ્વારા અપાઇ હતી પરંતુ ત્યારે આ બાબતને રાદડિયા કે તેના ટેકેદારોએ ગંભીરતાથી લીધી ન હતી પરંતુ આજે મંત્રી મંડળના વિસ્તરણ સમયે આ મામલો અસરકર્તા બન્યો છે.


નરેશ પટેલ ફેક્ટર અસરકર્તા બન્યાની ચર્ચા

ચર્ચામાં આવેલા ઉપરોક્ત બે પ્રત્યક્ષદર્શી કારણો ઉપરાંત પડદા પાછળથી જેતપુરથી કોરાટ ફેક્ટર અને રાજકોટથી નરેશ પટેલ ફેક્ટર પણ અસરકર્તા બન્યાની વાત વહેતી થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application