મહુવા તાલુકાના બગદાણા ગામે રહેતા યુવાન પર મોડી રાત્રીના મોણપર ગામની સીમમાં હિચકારો હુમલો કરાયો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવાને આઠ શખ્સો સામે બગદાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઠ શખ્સોને ઝડપી લઈ મહુવા પોલીસ મથકના પીઆઈ સહિતના સ્ટાફે પોલીસ જાપ્તા હેઠળ ઘટના સ્થળ પર લઈ જઈ રિ-કંટ્રકશન હાથ ધર્યુ હતું. પોલીસ શખ્સોને લઈને ગઈ ત્યારે શખ્સોના પગ ઢીલા થઈ ગયા હોય તેમ લંગડાતી ચાલે જોવા મળ્યા હતા.
મહુવાના બગદાણા ગામે રહેતા નવનીતભાઈ બાલધીયા પર મોણપર ગામની સીમમાં બે કારમાં આવેલા આઠ જેટલાં શખ્સોએ આંતરી અમારી રેકી કરે છે. તેમ કહી હુમલો કરી આડેધડ પાઈપ, ધોકાના ઘા ફટકારી ઈજા પહોંચાડી તેના બાઈક અને મોબાઈલની તોડફોડ કરી નાસી છુટયા હતા. ઘટનાના સીસીટીવી વાયરલ થયા હતા.
આ અંગે નવનીતભાઈ બાલધીયાએ બગદાણા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે બીએનએસ એક્ટ ૧૧૭(૨), ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૩૨૪(૪), ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૧), ૧૯૧(૨), તેમજ જીપી એક્ટ ૧૩૫ મુજબ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. દરમ્યાનમાં પોલીસે તપાસ હાથ ધરી ઘટનાના સીડીઆર એનાલીસીસ અને સીસીટીવી ફુટેજ આધારે આરોપીઓની ઓળખ કરી હુમલા મામલે મુખ્ય આરોપી નાજુ ઢીંગુભાઈ કામળીયા, રાજુ દેવાયતભાઈ ભમ્મર, આતુ ઓધડભાઈ ભમ્મર, વિરેન્દ્ર જયરાજભાઈ પરમાર, સતિષ વિજયભાઈ વનાળીયા, ભાવેશ ભગવાનભાઈ સેલાળા, વિરુ મધુભાઈ સઈડા, પંકજ માવજીભાઈ મેરની ધરપકડ કરી હતી. દરમ્યાનમાં બગદાણા પોલીસ જાપ્તામાં રહેલા આઠેય આરોપીને મહુવા પોલીસ મથકના પીઆઈ પટેલ સહિતના સ્ટાફ સાથે ઘટના સ્થળ પર લઈ જવાયા ત્યારે લોકો ટોળે વળ્યા હતા. જ્યારે ઘટના સ્થળ પર પોલીસે રિ-કંટ્રકશન કરાવ્યુ હતું. શખ્સોને સ્થળ પર લવાયા ત્યારે લંગડાતી હાલતે જોવા મળ્યા હતા.