માણાવદરના બાંટવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠામાં વારંવાર સર્જાતા ફોલ્ટ અને અનિયમિતતાના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેતીવાડી ફીડરોમાં નિયમિત અને પૂરતો વીજ પુરવઠો ન મળવાને કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ લોકપ્રશ્નને વાચા આપવા માટે આજે સ્થાનિક લોકપ્રતિનિધિઓ તથા ખેડૂત આગેવાનો એકઠા થઈ બાંટવા સ્થિત વીજ કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉચ્ચ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ વિનુભાઈ સવસાણીએ જણાવ્યું હતું કે, સીતાણા, નાનડીયા અને ભીતાણા સહિતના ગામોના ખેતીવાડી ફીડરોમાં વારંવાર ફોલ્ટ થવાની ફરિયાદો સામે આવી રહી છે. તેમણે વીજ તંત્ર સમક્ષ ભારપૂર્વક માંગણી કરી હતી કે, તંત્ર દ્વારા તાત્કાલિક લાઇનનું યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવે અને ખેડૂતોને કોઈપણ ખલેલ વગર નિયમિતપણે એકધારો ૮ કલાક પૂરતો વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે.તાલુકા પંચાયત સદસ્યના પ્રતિનિધિ દિવ્યેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, નાનડીયા, સીતાણા, ભીતાણા અને ભાડુલા જેવા ત્રણથી ચાર ગામોમાં વારંવાર વીજ ફોલ્ટ સર્જાવા અને નિયમિત લાઈટ ન મળવાની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે. આ અંગે બાંટવા GEBના નાયબ ઈજનેર સાથે સીધી ચર્ચા કરીને આ સમસ્યાનું સુખદ સમાધાન લાવવા રજૂઆત કરવામાં આવી હતી.આ રજૂઆત સંદર્ભે બાંટવા GEBના નાયબ ઈજનેર મકવાણાએ જણાવ્યું હતું કે, નાનડીયા સહિતના વિસ્તારોમાં પાવરની સમસ્યાના નિરાકરણ માટે ખાસ શિડ્યુલ બનાવવામાં આવી રહ્યું છે. સવારના સમયે જ ટીસી રિપ્લેસમેન્ટ અને લાઇનના તમામ ફોલ્ટ એકસાથે પૂર્ણ કરી લેવામાં આવશે. જેથી કરીને ત્યારબાદ ખેડૂતોને કોઈપણ જાતના બિનજરૂરી કાપ વગર નિયમિત અને સળંગ એકધારો થ્રી-ફેઝ વીજ પુરવઠો મળી રહે.