સુરત નવી સિવિલ કોલેજ અને હોસ્પિટલમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એનાટોમી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા થર્ડ યરના રેસિડેન્ટ ડોક્ટર યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિએ આપઘાત કરી લીધો છે. મળતી માહિતી મુજબ, તેમણે બપોરના સમયે ડિસેક્શન હોલમાં જ પોતાના ડાબા હાથે ત્રણ કટ મારી અને પગની નસો કાપીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. નોંધનીય છે કે ગત ૯ ઓગસ્ટે જ રેસિડન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ પણ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો, જેના કારણે દોઢ મહિનામાં બીજા ડોક્ટરે આત્મહત્યા કરતા સમગ્ર સિવિલ કેમ્પસમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
પરીક્ષાનું પરિણામ અને પત્ની સાથે હોસ્ટેલમાં નિવાસ
મેડિકલ કોલેજના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત ૧૮ સપ્ટેમ્બરના રોજ ડૉ. યોગેન્દ્રની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું, જેમાં તેઓ ફેલ થયા હોવાનું સામે આવ્યું હતું. આ પરિણામ બાદ તેમણે આત્યંતિક પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આપઘાત કરનાર યુવાન ડૉક્ટર યોગેન્દ્ર પ્રજાપતિ પરિણીત હતા અને તેઓ પોતાની પત્ની સાથે સિવિલ કેમ્પસની હોસ્ટેલમાં જ રહેતા હતા. ખાસ વાત એ છે કે મૃતક ડોક્ટરના પત્ની પણ હોમિયોપેથીના ડૉક્ટર છે. ડૉક્ટર યોગેન્દ્રની એમબીબીએસ પછીની ત્રણ વર્ષની રેસિડેન્સી પણ પૂર્ણતાના આરે હતી અને ગત સપ્તાહે જ તેમની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ હતી, જેથી તેઓ હાલ માત્ર બાકીની ટર્મ પૂરી કરી રહ્યા હતા. ઉજ્જવળ ભવિષ્ય સામે હોવા છતાં તેમણે આ પગલું કેમ ભર્યું તે મોટો સવાલ છે.
પોલીસ તપાસ શરૂ અને આપઘાતનું ચોક્કસ કારણ અકબંધ
જે ડિસેક્શન હોલમાં મૃતદેહોનું પરીક્ષણ કરીને વિદ્યાર્થીઓ તબીબી જ્ઞાન મેળવતા હોય છે તે જ જગ્યાએ આ ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. યુવાન ડોક્ટરે અચાનક આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર કે ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે કે ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી છે કે નહીં તેમજ હાથ પર કેટલા કટ્સ મારવામાં આવ્યા હતા તે તમામ બાબતોની સત્યતા ચકાસવામાં આવી રહી છે.