BREAKING NEWS

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટરનો આપઘાત, બોયઝ હોસ્ટેલના રૂમમાં જ ગળાફાંસો ખાઈ લીધો

  • August 09, 2026 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી એક અત્યંત આઘાતજનક અને દુઃખદ ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલ સ્થિત PG બોયઝ હોસ્ટેલમાં ફરજ બજાવતા એક રેસિડેન્ટ ડોક્ટરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ કરૂણ બનાવને પગલે હોસ્પિટલ તંત્ર, તબીબી આલમ અને અન્ય રેસિડેન્ટ ડોક્ટરોમાં ભારે શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, મૃતક ડોક્ટરની ઓળખ ૩૦ વર્ષીય હર્ષ પંડયા તરીકે થઈ છે. તેઓ નવી સિવિલ હોસ્પિટલના PG બોયઝ હોસ્ટેલના બિલ્ડીંગ નંબર Bના રૂમ નંબર ૧૦૦૫માં રહેતા હતા. શનિવારે મોડી રાત્રે અથવા વહેલી સવારે તેમણે પોતાના રૂમમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રૂમમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં આસપાસના અન્ય ડોક્ટરોને શંકા ગઈ હતી અને તપાસ કરતા બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

ઘટના અંગેની જાણ તુરંત જ પોલીસને કરવામાં આવતાં ખટોદરા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબ્જે લઈ પંચનામું કરી પીએમ અર્થે મોકલી આપ્યો છે. ડોક્ટર હર્ષ પંડયાએ કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. ખટોદરા પોલીસે અકસ્માતે મોતના ગુના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તે દિશામાં પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application