રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સાંજના સમયે ઈમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો.રામાણીએ રેસિડેન્ટ ડો. ક્રિશા શિંગાળા વચ્ચે દર્દીને દાખલ કરવા મુદ્દે રકઝક થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને મેડિકલ ઓફિસરે રેસિડેન્ટનો ફોન ખેંચી ગાળાગાળી કરી લાફો મારી દેતા વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાનાને પગલે ઉહાપો મચી જતા રેસિડેન્ટ ડોક્ટર્સ એકઠા થઇ ઇમરજન્સી બહાર કેમ્પસમાં જ ધરણા પર બેસી મેડિકલ ઓફિસર વિરુધ્ધ આકરી કાર્યવાહી કરવાની માગણી કરી હતી. ડોક્ટર્સની તત્કાલ હડતાલને લઈને દર્દીઓ પણ મુસીબતમાં મુકાયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયા અને મેડિકલ કોલેજના ડીન ડો.પંકજ બુચ સિવિલ ખાતે રાત્રીના દોડી ગયા હતા અને સમજાવટ બાદ રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાલ સમેટી હતી. બનાવ અંગે રેસિડેન્ટ ડોક્ટર ક્રિશા નિલેશભાઈ શીંગાડાની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે મેડિકલ ઓફિસર ડો.અશ્વિન રામાણી સામે ગુનો નોંધ્યો છે.
મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડોક્ટર ક્રિશા શિંગાળાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રીના ઈમરજન્સીમાં ડ્યુટી દરમિયાન વૃધ્ધા સારવાર માટે આવ્યા હતા અને અને તેમની સ્થિતિ ક્રિટિકલ હોવાથી તેને વેન્ટીલેટર ઉપર રાખવાની જરૂર હોવાથી મેડિકલ ઓફિસર ડો.રામાણીને કહ્યું હતું કે, પરંતુ તેમણે વૃધ્ધાને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવાનું કહેતા આ બાબતે તેમની સાથે વાતચીત કરવા જતા ઉગ્ર થઈને વાત કરવા લાગ્યા હતા અને બોલાચાલી કરી લાફો મારી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી અને મોબાઈલ કેમેરામાં પણ કેદ થઇ છે, બનાવ અંગે મેડિસિન વિભાગના એચઓડીને જાણ કરી હતી અને તમામ સિનિયર જુનિયર રેસિડેન્ટ ઇમરજન્સી વોર્ડ પાસે એકઠા થઇ બનાવ અંગે પગલાં લેવાની માગ કરી હતી.
સિનિયર અને જુનિયર તબીબો સાથેની માથાકૂટનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા ટીકાપાત્ર બન્યું છે.
ઘટનાને લઇ મેડિકલ કોલેજમાં બેઠક મળી
રાત્રીની ઘટનાને લઈ આજે સવારે મેડિકલ કોલેજ ખાતે ડીન ડો.પંકજ બુચ અને સુપ્રીટેન્ડેન્ટ ડો,મોનાલી માકડીયાની હાજરીમાં વિભાગના એચઓડી ની બેઠક મળી છે, જેમાં એક તપાસ કમિટી બનાવી બંનેના નિવેદનો નોંધી સમગ્ર કાર્યવાહીનો રિપોર્ટ આરોગ્ય વિભાગ અને મેડિકલ કાઉન્સિલમાં મોકલવામાં આવશે રિપોર્ટના આધારે જે નિર્ણય આવશે એ મુજબની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જવાબદાર સૂત્રોએ જણાવ્યું છે.