જિલ્લા વિકાસ અધિકારી તેમજ નિવાસી અધિક કલેક્ટરએ કાર્યોની સમીક્ષા કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે સભાખંડમાં આયોજિત બેઠકમાં વર્ષાઋતુ-૨૦૨૫ માટે કરવાની થતી પૂર્વ તૈયારીઓના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર તેમજ નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયાએ જિલ્લાના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે વધુમાં ગત વર્ષે કરવામાં આવેલ સ્થળાંતર રેસ્ક્યુ સહિતની તમામ કામગીરી, ગત વર્ષોમાં વરસાદના આંકડાઓ વગેરે વિગતોને આધારે ચોમાસા પૂર્વે કરવાની થતી વિવિધ તૈયારીઓ જેવી કે તળાવોના ખોદકામ, જર્જરિત મકાનોના સર્વે, વૃક્ષો તેમજ વીજલાઈન નિરીક્ષણ, નાળાની સફાઈ, સ્થળાંતર માટે આશ્રયસ્થાનો નક્કી કરવા, તાલુકાવાર લાઈઝન અધિકારીની નિમણૂંક, નુકસાનના કિસ્સામાં સર્વે ટીમની આગોતરી નિમણૂંક વગેરેની ચર્ચા કરવામાં આવી હતી તેમજ કરવાની થતી કામગીરી અંગે વિભાગવાર સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ડિઝાસ્ટર સ્ટાફને યોગ્ય તાલીમ આપવા, રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલરૂમ ચાલુ રાખવા, ચોમાસા દરમ્યાન સમયસર અને અદ્યતન રિપોર્ટ પૂરા પાડવા, ચેતવણીઓ જાહેર કરવા અને સંબંધિત સૂચના ગ્રાઉન્ડ ઝીરો સુધી પહોંચે તે મુજબ તૈયારી કરવા, સફાઈ જાળવવા માટે છંટકાવની દવાનો સ્ટોક રાખવા, તાલુકા કક્ષાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિની મિટિંગ યોજવા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાની કામગીરી પૂર્ણ કરવા તેમજ સાવચેતી/તકેદારીના યોગ્ય પગલાઓ લેવા માટે તાકીદ કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ કલેક્ટર રિધ્ધિ રાજ્યગુરુ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.