લોક સેવા માટે ચૂંટાયેલા સભ્યોને મોંઘવારી નડી ! માનદ વેતન માંગ્યું
લોક સેવા માટે ચૂંટાયેલા સભ્યોને મોંઘવારી નડી ! માનદ વેતન માંગ્યું
October 03, 2026 01:45 PM
લોક સેવા માટે ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યએ ગુજરાતના મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે જિલ્લા અને તાલુકામાં ચૂંટાયેલા સભ્યોને માનદ વેતન મળે તેવી માગ કરી છે. ત્યારે લોકોની સેવા માટે ચૂંટાયેલા સભ્યોને વેતનની શા માટે જરૂરિયાત ઊભી થઈ હશે તે લોક ચર્ચાનો વિષય બન્યો છે.જિલ્લા/તાલુકા પંચાયતમાં પ્રજાના સીધા મતથી ચૂંટાઈને આવતા સભ્યોને યોગ્ય માનદ વેતન તેમજ માનદ ભથ્થું ચૂકવવા માટે રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય રમીલાબેન મુકેશભાઈ મેરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે. સાથે જ હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખીને ચૂંટાયેલા સભ્યોને મળતા પ્રવાસ સહિતના અન્ય અનુસાંગિક ભથ્થામાં પણ વધારો કરવાની માંગ કરવામાં આવી છે. મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, રાજ્યની જિલ્લા પંચાયતોમાં પ્રજાના સીધા મતથી ચૂંટાયેલા સભ્યો ગ્રામ્ય વિસ્તારના વિકાસ, સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ તેમજ સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. ચૂંટાયેલા સભ્યો પોતાના મતવિસ્તારમાં સતત લોકસંપર્ક જાળવી પ્રજાના પ્રશ્નો રજૂ કરે છે તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકોમાં ભાગ લઈ વિકાસલક્ષી કામગીરીમાં સમય ફાળવે છે. આ કામગીરી દરમિયાન ચૂંટાયેલા સભ્યોને અનેક પ્રકારના ખર્ચ અને જવાબદારીઓનો સામનો કરવો પડે છે. મતવિસ્તારમાં સતત પ્રવાસ કરી પ્રજાના પ્રશ્નો સાંભળવા, સ્થળ પર જઈ સમસ્યાઓની જાણકારી મેળવવા તેમજ સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવા માટે સમય અને નાણાં બંને ખર્ચાય છે. આથી જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની લોકસેવાની કામગીરીને પ્રોત્સાહન મળે તેમજ તેઓ વધુ અસરકારક રીતે પોતાની જવાબદારી નિભાવી શકે તે માટે યોગ્ય માનદ વેતન/માનદ ભથ્થું આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત, વર્તમાન મોંઘવારીના માહોલને ધ્યાનમાં રાખીને પ્રવાસ ભથ્થું સહિતના અન્ય અનુસાંગિક ભથ્થામાં પણ વધારો કરવા સરકાર દ્વારા વિચારણા કરવામાં આવે તેવી રજૂઆત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા અને તાલુકામાં ચૂંટાયેલા સભ્યો ચૂંટણી પૂર્વે લોકોની સેવા કરવા માટે તત્પર રહેતા હોય છે ત્યારે ચૂંટાઈ ગયા બાદ હવે માનદ વેતનની માગણી કરવામાં આવી રહી છે ત્યારે આ પ્રકારની માંગણી કરીને જિલ્લા પંચાયતના ખર્ચમાં વધારો કરવાને બદલે લોક કલ્યાણ માટે નાણાં ખર્ચ કરવામાં આવે તે જનહિત માટે વધુ જરૂરી છે.