BREAKING NEWS

અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ; 5 ઈંચ વરસાદથી રસ્તા થયા જળમગ્ન, સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા

  • September 14, 2026 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. સવારે છ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં શહેરમાં ધોધમાર વરસાદ વરસી ગયો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સૌથી વધુ વરસાદ વટવા અને લાંભા વિસ્તારમાં નોંધાયો હતો, જ્યાં પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

શહેરના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ભારે બેટિંગ કરી છે. સત્તાવાર આંકડાઓ મુજબ બોપલમાં ૩.૪૪ ઇંચ, રામોલમાં ૩.૩૭ ઇંચ, જોધપુર ઝોનલ વિસ્તારમાં ૩.૩૭ ઇંચ અને ઇન્દ્રપુરીમાં ૩.૩૧ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સરખેજમાં ૩.૨૯ ઇંચ, જોધપુરમાં ૩.૨૧ ઇંચ, દૂધેશ્વરમાં ૩.૦૫ ઇંચ અને મણિનગરમાં ૩.૦૧ ઇંચ વરસાદ ખાબક્યો હતો. સવારે પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી.

નારોલથી સરખેજ હાઇવે પર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે નેશનલ હાઇવેનો રોડ સાંકડો થઈ ગયો છે. આજુબાજુની સોસાયટીઓના રસ્તા નીચા હોવાથી વરસાદી પાણી સોસાયટીઓ તરફ વહ્યા હતા. મકતમપુરા વોર્ડના કોર્પોરેટર હાજી અસરાર બેગે આક્ષેપ કર્યો છે કે અધિકારીઓને અનેકવાર કેચપીટ સાફ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, છતાં સફાઈ ન કરાતા પાણી ભરાયા હતા, જ્યારે કોન્ટ્રાક્ટરો પેમેન્ટ ન મળ્યાનું બહાનું ધરી રહ્યા છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડ અને ખોખરા વોર્ડના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં ઉદ્ગમ અર્ચના હાઈસ્કૂલના સંકુલમાં પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓ અને સંચાલકોને મુશ્કેલી પડી હતી. હાટકેશ્વરના ૧૩૨ ફૂટ રિંગ રોડથી ગુરુજી બ્રિજ સુધીનો માર્ગ પાણીમાં ડૂબી ગયો હતો. સાથે જ ખારીકટ કેનાલ નજીકના નીચાણવાળા સોસાયટી વિસ્તારોમાં પણ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો.


નેહરુનગર એસટી પિકઅપ સ્ટેન્ડ અને માર્ગો પર જળબંબાકાર

ભારે વરસાદના કારણે નેહરુનગર એસ.ટી. પિકઅપ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જેના કારણે મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. બસો મોડી પડવાથી મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચી શક્યા નથી. બીજી તરફ, નેહરુનગરથી કેશવબાગ સુધીના માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.


બે અંડરપાસ બંધ કરવામાં આવ્યા

એસ.જી. હાઈવે પર ઈસ્કોન બ્રિજથી કર્ણાવતી ક્લબ તરફ જતાં લોકોએ ધીમી ગતિએ વાહનો ચલાવવાની નોબત આવી હતી. જોકે નવા રેમ્પને કારણે ટ્રાફિક વ્યવસ્થિત રહ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે મીઠાખળી અંડરપાસ અને સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા મોહમ્મદપુરા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા વાસણા બેરેજના ગેટ નંબર ૨૫, ૨૬ અને ૨૭ ખોલવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application