ભાજપના ધારાસભ્ય અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન જયેશભાઇ રાદડિયા પરિવાર તેમજ અંદાજે પચાસેક મિત્રોના સંઘને સાથે લઇને જામકંડોરણાથી નાથદ્વારાની ૬૦૦ કિલોમીટરની પદયાત્રાએ જવા રવાના થયા છે.
આ તકે રાદડિયાએ જણાવ્યું હતું કે પદયાત્રા કરીને નાથદ્વારા જવાનો તેમણે સંકલ્પ કર્યો હતો જે પૂર્ણ કરવા તેઓ પરિવાર અને મિત્રો સાથે પગપાળા નાથદ્વારા જવા રવાના થયા છે. આજથી ૧૫ દિવસે તેઓ નાથદ્વારા પહોંચીને મંગલા દર્શન કરશે.
રા.લો.સંઘ અને રાજકોટ જિલ્લા સહકારી સંઘમાં હજુ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક બાકી છે તેમજ ડિસેમ્બરના અંતમાં રાજકોટ સહિત જિલ્લાના પાંચ માર્કેટ યાર્ડની મુદ્દત પૂર્ણ થવા જઇ રહી હોય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવા વચ્ચે યોજાયેલી આ પદયાત્રાના અનેક સૂચિતાર્થો રાજકીય વર્તુળોમાંથી નીકળી રહ્યા છે.