BREAKING NEWS

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: કલાકમાં બે ઇંચ વરસાદથી રસ્તાઓ બન્યા સ્વિમિંગ પૂલ

  • September 14, 2026 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જેને સાર્થક કરતા આજે શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ગત મોડી રાતથી સવાર સુધી શહેરમાં હળવો અને ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ બપોર સુધી ક્યારેક ઝરમર ઝાપટાં પડ્યા હતા. પરંતુ બપોર બાદ અચાનક વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો અને આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા. થોડી જ વારમાં વિજળીના કડાકા-ભડાકા અને જોરદાર ગર્જના સાથે અનરાધાર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે રંગીલા શહેરના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા.


બપોરે ૩ થી ૪ વાગ્યા વચ્ચેના માત્ર એક જ કલાકના સમયગાળામાં રાજકોટ શહેરમાં આશરે બે ઇંચ જેટલો સારો એવો વરસાદ ખાબક્યો હતો. મનપાના આંકડા મુજબ રાજકોટના વેસ્ટ ઝોનમાં ૪૬ મિમિ, ઇસ્ટ ઝોનમાં ૩૭ મિમિ અને સેન્ટ્રલ ઝોનમાં ૪૭ મિમિ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ધોધમાર વરસાદના કારણે 150 ફૂટ રિંગ રોડ અને રૈયા રોડ જેવા મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈને જાણે સ્વિમિંગ પૂલ બની ગયા હતા. રસ્તાઓ પર એટલું બધું પાણી ભરાઈ ગયું હતું કે ટુ-વ્હીલર વાહનો અડધા સુધી ડૂબી ગયા હતા, અને બપોરના સમયે અડધા કલાક સુધી અંધારપટ્ટ છવાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


ભારે વરસાદના આ આકરા પ્રહાર વચ્ચે મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી ગઈ હતી. શહેરના પોપટપરા વિસ્તારમાં ભારે વરસાદને પગલે ગટરની ગંદકી ઉભરાઈને બહાર આવી હતી અને કાળા પાણી તથા કચરાનું મોટું પૂર રેલાયું હતું. આ ભયાનક પૂરના પ્રવાહમાં કચરો તણાતો જોવા મળ્યો હતો અને આ સ્થિતિના કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. વર્ષો જૂનો આ ગંદકી અને પાણી ભરાવાનો પ્રશ્ન મનપા ક્યારે ઉકેલશે તે સવાલ આજે ફરી લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application